પાલિતાણામાં ૧૬ વર્ષની સગીરા પર ચાર શખ્સોનો બે દિવસ સુધી ગેંગરેપ
ભાવનગર, ભાવનગરના પાલિતાણામાં સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પાલિતાણા પોલીસે સૌ પ્રથમ સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધી હતી. આ કેસમાં તપાસ કરતાં સગીરા બે દિવસ બાદ મળી આવી હતી.
પૂછપરછમાં જાણવા મળ્યું કે મુસ્લિમ મહિલાની મદદગારીથી ચાર શખ્સોએ સગીરાને જુદા જુદા સ્થળોએ બે દિવસ સુધી ગોંધી રાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસે મહિલા સહિત પાંચ આરોપી પૈકી ચારની ધરપકડ કરી છે.
મહિલા આરોપી રૂબિના મહંમદભાઇ વસાયાને જેલ હવાલે કરવામાં આવી છે, જ્યારે ત્રણ શખ્સોને કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
હજુ પણ એક આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.પાલિતાણા શહેરમાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા માતા સાથે ઝઘડો થતાં ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ હતી. પરિવારના સભ્યોએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં બે દિવસ બાદ ગુમ થયેલી સગીરા મળી આવી હતી.
પોલીસે સગીરાની પૂછપરછ હાથ ધરી તો હકીકત જાણીને તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, બે દિવસ સુધી તેને ગોંધી રાખી, મરજી વિરુદ્ધ જુદા જુદા સ્થળોએ લઈ જઈ પાલિતાણાના વિરપુર ખાતે રહેતા ચારેય શખ્સો – અશ્વિન ગોરધનભાઈ ચૌહાણ, મહેશ રમેશભાઈ ચુડાસમા, નટુ મનજીભાઈ ચૌહાણ અને શૈલેષ મકવાણાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ પોલીસે પોક્સો, અપહરણ સહિતનો ગુનો નોંધી, મદદગારી કરનાર રૂબિના વસાયા, અશ્વિન ચૌહાણ, મહેશ ચુડાસમા અને નટુ ચૌહાણની ધરપકડ કરી છે. ફરાર થયેલ શૈલેષ મકવાણાની શોધખોળ શરૂ છે. આ ચકચારી બનાવને કારણે વિસ્તારમાં ભારે રોષ છવાયો છે.SS1MS
