Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં BLOની મદદ માટે 3 હજાર જેટલા સહાયક કર્મચારીઓની નિમણૂક કરાઈ

પ્રતિકાત્મક

સહાયકકર્મીઓ BLO તથા સુપરવાઈઝર્સને એન્યુમરેશન ફોર્મના ડિજિટાઇઝેશનમાં મદદ કરશે

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમાર દ્વારા અમદાવાદ જિલ્લાના ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાંથી વધારાના આશરે ત્રણ હજાર જેટલા સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સ્વયંસેવી કર્મચારીઓ જિલ્લાના કુલ ૫૫૨૪ BLO તથા ૫૯૧ BLO સુપરવાઈઝર્સને એન્યુમરેશન ફોર્મના ડિજિટાઇઝેશનમાં મદદરૂપ બનશે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૨૭ ઓક્ટોબરથી દેશનાં ૧૨ રાજ્યોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં હાલ એન્યુમરેશન ફોર્મ (EF) ભરીને એકત્રિત કરવાની અને તેનું ડિજિટાઈઝેશન કરવાની કામગીરી પ્રગતિમાં છે.

અમદાવાદ જિલ્લામાં ૬૨.૫૯ લાખથી વધુ મતદારો માટે આ કામગીરી BLO દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ, જિલ્લામાં મતદારોની સંખ્યાની વિપુલતા અને કામગીરીની વિશાળતા જોતાં, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા BLOની સહાય માટે જિલ્લા વહીવટી તંત્ર હેઠળની વિવિધ કચેરીઓમાંથી વધારાના કર્મચારીઓની સ્વયંસેવક રૂપે નિમણૂક કરવામાં આવી છે. જેથી આ કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બની શકે.

જે અંતર્ગત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા શિક્ષણાધિકારી (ગ્રામ્ય) કચેરી, AUDA, જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, નાયબ શ્રમ આયુકત કચેરી, UGVCL, મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન (અમદાવાદ તથા ગાંધીનગર), માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય શાખા, નગરપાલિકા વિભાગ તથા વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાંથી સહાયક કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

વધુમાં, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમાર દ્વારા શહેર-જિલ્લાના તમામ નાગરિકોને આ કામગીરીમાં BLOને જરૂરી માહિતી પૂરી પાડી સહકાર આપવા અનુરોધ કરાયો છે. જેથી સઘન મતદારયાદીને વધુ પારદર્શક અને સચોટ બનાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.