SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમનો સવાલ: આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એસઆઈઆર પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે?
સીજેઆઈ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે ૨૬ નવેમ્બરના રોજ એસઆઈઆરની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો તરફથી દાખલ કરાઈ છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ અને કેરળ રાજ્ય તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે આધાર કાર્ડ હોવા છતાં લોકોને મતદાર યાદીમાંથી બાકાત રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ મામલે સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું, માની લો કે કેટલાક લોકો પડોશી દેશોમાંથી ભારતમાં ઘૂસી આવ્યા છે. તેઓ ભારતમાં કામ કરી રહ્યા છે, ભારતમાં રહી રહ્યા છે. કોઈ ગરીબ રિક્ષા ચલાવનાર છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર છે. તમે તેને આધાર કાર્ડ આપો છો, જેથી તે સબસિડીવાળું રાશન કે અન્ય કોઈ યોજનાનો લાભ લઈ શકે.
આ આપણા બંધારણીય મૂલ્યોનો ભાગ છે, આપણી બંધારણીય નૈતિકતા છે. પરંતુ શું આનો અર્થ એવો થાય છે કે તેને આ લાભ આપવામાં આવ્યો છે, તો હવે તેને મતદાર પણ બનાવી દેવો જોઈએ? આ મામલે કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, હું એક નાગરિક છું, હું અહીં રહું છું. મારી પાસે આધાર કાર્ડ છે, તે મારું ઘર છે.
જો તમે તેને છીનવવા માંગતા હો, તો એક નિર્ધારિત પ્રક્રિયા દ્વારા છીનવો અને તે પ્રક્રિયા તમારી સમક્ષ નક્કી થવી જોઈએ. આના પર સીજેઆઈએ બિહાર એસઆઈઆરનું ઉદાહરણ આપતા કહ્યું કે, બિહારમાં ખૂબ ઓછી તકલીફ પડી હતી. જો એવા ઉદાહરણો હોય, જ્યાં કોઈ વ્યક્તિ ખરેખર નિવાસી હોય, ભારતનો નાગરિક હોય અને તેને બહાર રાખવામાં આવ્યો હોય, તો અમે આતુરતાથી તે ઉદાહરણોની શોધમાં છીએ. જેથી અમે પ્રક્રિયાની ભૂલને સુધારી શકીએ.
