પશ્ચિમના બોપલ, થલતેજ સહિતના વિસ્તારની ડ્રેનેજની સમસ્યા ઉકેલાશે
પ્રતિકાત્મક
રૂ.૧૬૮ કરોડના ખર્ચે નવો STP પ્લાન્ટ અને ડ્રેનેજ લાઈન નાંખવાનું આયોજન-દક્ષિણ બોપલ, શાંતિપુર સર્કલ પાસે એપલવોડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસપી રીંગ રોડને સમાંતર વિસ્તારોમાં મકતમપુરા, સનાથલ જેવા વિસ્તારોમાં માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધા વધારાશે
(એજન્સી)અમદાવાદ,અમદાવાદ શહેરના વિકાસને જોતા ડ્રેનેજ સુવિધાઓ ઊભી કરવા માટેના આયોજન થઈ રહ્યા છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા દૂર કરવા માટે ફતેહવાડી ખાતે રૂ.૧૬૮ કરોડના ખર્ચે નવો એસટીપી પ્લાન્ટ અને ડ્રેનેજ લાઈન નાંખવાનું નક્કી કરાયું છે. આ માટે ગુરૂવારના રોજ મળનારી કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ દરખાસ્ત પર મંજૂરી લાગ્યા બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે. આ પ્રોજેકટના પગલે વિસ્તારના ર૦ લાખ કરતાં વધુ લોકોને ડ્રેનેજ સમસ્યામાંથી મુક્તિ મળશે.
અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ વિસ્તારમાં જુદી જુદી ટીપી સ્કીમોમાં રહેણાંક અને કોમર્શિયલ ડેવલોપમેન્ટ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે જેના કારણે હાલની સુએઝ સિસ્ટમ પર ભારણ વધ્યું છે અને ડ્રેનેજમાં બેકિંગની સમસ્યાઓ ઉદ્દભવે છે.
આ વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારો જેવા કે દક્ષિણ બોપલ, શાંતિપુર સર્કલ પાસે એપલવોડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસપી રીંગ રોડને સમાંતર વિસ્તારોમાં મકતમપુરા, સનાથલ જેવા વિસ્તારોમાં માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધાના અભાવે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. આ વિસ્તારમાં અવાર-નવાર ડ્રેનેજ ઉભરાવવાની પરિસ્થિતિ પણ થાય છે.
આમ વિવિધ સમસ્યાઓને જોતા આ વિસ્તાર માટે નવી ડ્રેનેજ લાઈન અને સુએજ પમ્પીંગ સ્ટેશન બનાવવાની જરૂરિયિાત ઊભી થતાં મ્યુનિસિપલ કોર્પોરેહન દ્વારા નવો એસટીપી પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શહેરના ફતેહવાડી વિસ્તારમાં આગામી વર્ષ ર૦૩૬ અને ર૦પ૦ને ધ્યાનમાં રાખીને શાંતિપુરા સર્કલથી સાબરમતી નદી સુધી ર૪૦૦ એમએમની પાઈપલાઈન રાખવા સાથે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને એસટીપી બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓડિટર અને કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં આવેલી કંપનીઓની કવોલિફિકેશન અને ડોક્યુમેન્ટ વગેરે તપાસવામાં આવ્યા બાદ આ કામ સોંપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટર દ્વારા અંદાજિત રકમ કરતા ૩ર ટકા ઓછા ભાવ ભરવામાં આવ્યા હતા જેમાં રૂ.૧૩૪ કરોડના ખર્ચે નવો એસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે અને રૂ.૩પ કરોડનો ખર્ચ ૧૦ વર્ષના ઓપરેશન મેન્ટેનન્સ માટે ચૂકવવામાં આવશે આમ કુલ મળી રૂ.૧૬૮ કરોડના ખર્ચે એસટીપી બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકાઈ છે.
