રસ્તા પર વાહન ચલાવતાં ફોન પર વાત કરવી તમારા અને સામેવાળા બંને માટે જોખમી
AI Image
નિયમો અને શિસ્ત એ એવા બે અનાથ બાળકો છે જેને જન્મ આપનારા તો છે પણ પાલન પોષણ કરનારા નથી. આ વાક્યા વાંચ્યા પછી તમને જે વિચાર આવે છે તે સાચો જ છે. ભારતીયો જેવા નિયમ પાલનના આગ્રહીઓ બીજા કોઈ નહીં હોય. આપણે જયારે વિદેશી જઈએ ત્યારે ત્યાંના નિયમો પાળીએ છીએ પણ આપણા દેશના નિયમોમાંથી છટકબારી શોધવા પ્રયાસરત હોઈએ. આજે જાહેર માર્ગો પર ચાલુ વાહને ફોન પર રહેતા યુવાનોને લઈએ.
તીર્થના મોબાઈલની તૂટેલી સક્રીન જોઈને પ્રાચીને તેને કહ્યું કે ફરી તે ચાલુ વાહને ફોન ઉપાડ્યોને! તને ના પાડી છે તો પણ કેમ ચાલુ વાહને ફોન વાપરે છે ? બન્નેને અટકાવતા મેં પ્રાચીને પૂછયું કે તને કઈ રીતે ખબર પડી કે તેનો ફોન ચાલુ વાહને પાડીને જ તૂટયો છે. પ્રાચીને મને જવાબ આપ્યો કે સર માત્ર તીર્થ નહીં, અમારા કલાસના લગભગ દરેક લોકો ચાલુ વાહને વાત કરે છે અને એમાં જ ફોનને નુકસાન થાય છે.
મેં સૌને કહ્યું કે ફોનને નુકસાન થાય તો એ રિપેર કરી શકાય પણ તમારી જાતને નુકસાન થાય તેવું જોખમ શા માટે લેવું જોઈએ ? ક્રિશ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના બોલ્યો કે સર અમને ખબર છે કે રિસ્કી છે પણ યુવાનીમાં રિસ્ક ન લઈએ તો ક્યારે લઈએ?
બધા યુવાનો તેની વાત સાંભળી થોડા ગેલમાં આવી ગયા. આ જોઈ મેં કહ્યું કે મારે શું કહેવું ! તંબાકુ અને સિગરેટ પર કેન્સરના ચિત્રો જોઈન ેપણ લોકો વ્યસન કરે છે. ક્યો દેશ ચાલુ વાહને ફોન વાપરવાની છૂટ આપે છે ! આ ખતરનાક વસ્તુ છે છતાં લોકો પોતાને રોકી શકતા નથી.
પોતાની વાત કરતા ક્રિશ બોલ્યો કે સર સ્ક્રીન તૂટી એ વખતે હું મોત ભાળી ગયો હતો. બીજાની વાત છોડો મને મોબાઈલના વળગણમાંથી બહાર આવવાની ટીપ્સ આપો. મેં તેને કહ્યું કે ડિસ ટ્રેકટેડ ડ્રાઈવિંગ દરેક રીતે ઘાતક છે. ફોન સાથેનું તમારું અટેચમેન્ટ અનેક સમસ્યાઓનું મૂળ છે.
એ દરેક કામમાં તમારી અલર્ટનેસ ઘટાડી દે છે. નાનાનાના પ્રયાસોથી તમે ફોન સાથેનું અટેચમેન્ટ ઘટાડી શકો. સૌથી પહેલા હેલ્મેટ પહેરો એટલે ફોનથી દૂર રહેશો અને સ્વયં પણ સુરક્ષિત રહેશો. બીજું સહેલું કામ એટલે ફોનને હંમેશા પેન્ટના ખિસ્સામાં, બેગમા કે ડીકીમાં રાખો. ફોન ન ઉપડે એટલે કોઈ પણ સમજી જશે કે તમે કામમાં છો અથવા વાહન ચલાવો છો.
તમે તમારા વાહન સાથે અટેચમેન્ટ વધારો જેથી તમારું ધ્યાન સતત તમારા વાહન પર રહેશે. સ્પીડોમીટર, ઈન્ડીકેટર, બ્રેક, હેડ લાઈટ વિગેરે પર ધ્યાન આપો. મોટી પરીક્ષાની તૈયારી કરતા ઘણાં લોકો સેલ્ફ- લોક એપ વાપરે છે. નિશ્ચિત સમય માટે કોલ કે નોટીફીકેશન તમને ડીસ્ટર્બ નહીં કરે અને તમે કામમાં એકાગ્રતા વધારી શકશો.
ફોન ન ઉપાડવાથી કોઈ મોટી આફત નહીં આવી પડે પણ જો અકસ્માત થશે તો તમારા પરિવાર પર આફત આવી પડશ. તમારા પરીવારને અને ભારત દેશને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એટલું યાદ રાખજો કે કોઈ કોલ, કોઈ નોટીફીકેશન તમારા જીવનથી વધુ મહત્વનું નથી.
