યુવતીની પજવણી કરનાર યુવકે હોસ્પિટલમાં જ પેટ્રોલ છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યાે
અમદાવાદ, અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગુરુવારે સવારે એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.
આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો છે, જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી ૨૮ વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખ, સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત રીતે તેની સતત પજવણી કરી રહ્યો હતો.
ગુરુવારે સવારે લગભગ ૮ઃ૩૦ વાગ્યે, કામરાન અલ-નૂર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં સલેહા ડ્યુટી પર હતી. તેણે સલેહા સાથે કોઈ મુદ્દે દલીલ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા, કામરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢી, પોતાના પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી આગ ચાંપી દીધી.
આગની જ્વાળાઓમાં લપેટાયેલો કામરાન હોસ્પિટલમાં આમતેમ દોડવા લાગ્યો હતો અને તેણે હોસ્પિટલની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
ત્યારબાદ તે સળગતી હાલતમાં જ બિલ્ડિંગની બહાર દોડી ગયો, પહેલા માળેથી નીચે કૂદી પડ્યો અને બાજુમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો, જ્યાં તેણે વધુ નુકસાન કર્યું હતું.ઘટનાને પગલે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા કામરાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ, સલેહાને કોઈ શારીરિક ઈજા થઈ નથી, પરંતુ આ ભયાવહ ઘટનાના આઘાતથી તે બેભાન થઈ ગઈ હતી. તેને પણ અલ-નૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ તેનું નિવેદન નોંધશે.
સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ હોસ્પિટલ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.SS1MS
