નેપાળે ૧૦૦ની નવી ચલણી નોટ પર ભારતના વિસ્તારો પોતાના ગણાવ્યા
નવી દિલ્હી, નેપાળે ફરી એક વખત ભારત સાથે સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. નેપાળની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે રૂ. ૧૦૦ની નવી ચલણી નોટ બહાર પાડી હતી. આ નોટ પર નેપાળનો નવો નકશો દર્શાવાયો છે, જેમાં કાલાપાની, લિમ્પિયાધુરા, લિપુલેખ જેવા ભારતના પ્રદેશોને પોતાના ગણાવાયા છે.
આ વિસ્તારો ભારતના કબજામાં છે અને આ પ્રદેશોનો નેપાળના નકશામાં સમાવેશ સામે ભારતે વિરોધ નોંધાવેલો છે. નેપાળની નવી નોટ પર પૂર્વ ગવર્નર મહાપ્રસાદ અધિકારીના હસ્તાક્ષર છે અને તેના પર ગયા વર્ષની તારીખ દર્શાવાઈ છે.
નેપાળ રાષ્ટ્ર બેન્ક (એનઆરબી)એ ગુરુવારે બહાર પાડેલી રૂ. ૧૦૦ની નવી નોટ પર ભૂતપૂર્વ ગવર્નર મહાપ્રસાદ અધિકારીના હસ્તાક્ષર છે અને આ બેન્ક નોટ પર ઈશ્યુ કર્યાનું વર્ષ ૨૦૮૧ બીએસ અંકિત કરાયું છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ વર્ષ ૨૦૨૪થાય છે.
મે ૨૦૨૦માં કેપી શર્મા ઓલિના નેતૃત્વની સરકારે નેપાળનો નવો રાજકીય નકશો બહાર પાડયો હતો, જેમાં લિપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારોને નેપાળમાં દર્શાવાયા હતા. આ નકશાને પાછળથી સંસદે મંજૂરી આપી દીધી હતી.નેપાળના આ પગલાંનો ભારતે તુરંત વિરોધ કર્યાે હતો અને તેને ‘એકતરફી પગલું’ ગણાવ્યું હતું.
ભારતે નેપાળને ચેતવણી પણ આપી હતી કે, ભારતના પ્રદેશો પર તેના દાવાને સ્વીકારી નહીં લેવાય. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, લિપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારો ભારતના છે.
નેપાળની સેન્ટ્રલ બેન્કે રૂ. ૧૦૦ની ચલણી નોટ પર નવા નકશા અંગે કહ્યું કે, રૂ. ૧૦૦ની જૂની નોટ પર પણ આ નકશા હતા, પરંતુ તેને સરકારના નિર્ણય મુજબ સુધારવામાં આવ્યા છે. નેપાળ સેન્ટ્રલ બેન્કના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે, રૂ. ૧૦, ૫૦, ૫૦૦ અને રૂ. ૧૦૦૦જેવી અન્ય નોટોમાં નકશા નથી. માત્ર રૂ. ૧૦૦ની નોટ પર જ દેશનો નવો નકશો પ્રકાશિત કરાયો છે.
નેપાળની નવી રૂ. ૧૦૦ની ચલણી નોટ પર ડાબી બાજુ માઉન્ટ એવરેસ્ટ દર્શાવાયો છે જ્યારે નેપાળના રાષ્ટ્રીય ફૂલ લાલ બુરાંશનું વોટરમાર્ક છે. ચલણી નોટના કેન્દ્રમાં પૃષ્ઠભૂમિમાં લીલા રંગમાં નેપાળનો નવો નકશો પ્રકાશિત કરાયો છે. નકશા નજીક અશોક સ્તંભ દર્શાવાયો છે અને તેના પર ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની લખેલું છે.SS1MS
