SIRની કામગીરીના ભારે વધુ એક BLOનો ભોગ લીધો
નવી દિલ્હી, રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની કામગીરીના ભારે દબાણ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
સતલાસણા તાલુકાના સુદાસણા ગામના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા દિનેશ રાવળનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ઘરે બેસીને એસઆઈઆર સંબંધિત કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.મળતી માહિતી મુજબ, દિનેશ રાવળ સુદાસણા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
હાલ ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણની કામગીરી અંતર્ગત તેમને બીએલઓની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
તેઓ ઘરે બેસીને આ કામગીરીમાં વ્યસ્ત હતા તે સમયે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું અવસાન થયું.આ ઘટનાએ રાજ્યના શિક્ષક જગતમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને ચૂંટણી સંબંધિત કામગીરીના ભારણ અને તેના કારણે થતા માનસિક તણાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ પશ્ચિમ બંગાળમાં પણ એસઆઈઆરની કામગીરી દરમિયાન ત્રણ બીએલઓના મૃત્યુ થયાના અહેવાલ હતા. ત્યારે હવે ગુજરાતમાં પણ આ પ્રકારની એક પછી એક અનેક ઘટના બનતા, શિક્ષકો પર શિક્ષણ સિવાયની કામગીરીના દબાણને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.
દિનેશ રાવળના નિધનના સમાચાર મળતા જ સ્થાનિક શિક્ષણ જગતમાં અને તેમના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર એ મુદ્દાને ઉજાગર કર્યાે છે કે ચૂંટણી જેવી મહત્વપૂર્ણ પણ તણાવપૂર્ણ કામગીરી દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કામના કલાકોનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે.SS1MS
