અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગમાં વધુ એક બોગસ ભરતીકાંડનો તખ્તો તૈયાર
પ્રતિકાત્મક
માનીતાઓને સેટ કરવા સરકારી પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની ચર્ચા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ ફાયર બ્રિગેડમાં સહાયક સ્ટેશન ફાયર ઓફિસરોની જગ્યા બારોબાર રોકડી કરી વ્હાલા દવલાને આ કાયમી જગ્યાઓ પર ફીટ કરી દેવાનો ફરી એક વખત કારસો રચાઈ ગયાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ વર્ગ ૩ અને ૪ સંવર્ગની તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં રૂબરૂ મુલાકાત (ઈન્ટરવ્યુ) ની જોગવાઈઓ રદ કરવા બાબતે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક ઃ પરચ-૧૦૨૦૧૫-૧૨૨૩-ક સચિવાલય- ગાંધીનગરના તા. ૦૬-૧૧-૧૫ સ્પષ્ટ લેખીત ઠરાવ માં જણાવ્યા મુજબ વર્ગ ૩-૪ જગ્યાઓ રૂબરૂ મુલાકાત/ઈન્ટરવ્યુ ને બદલે સ્પર્ધાત્મક લેખીત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે અગ્રતાક્રમ નક્કી કરી પસંદગી કરવાની જોગવાઈઓ રાજ્ય સરકારે નક્કી કરી છે. જેનો અમલ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ તરીકે નગરપાલિકા અને મહાનગરપાલિકાએ કરવાનો હોય છે.
અમદાવાદ મનપાના ફાયર બ્રિગેડ વિભાગમા સહાયક સ્ટેશન ફાયર ઓફિસર ની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે એક વર્ષ કરતા વધુ સમય પહેલા જાહેરાત કરવામા આવી હતી. જેના એક વર્ષ પછી હમણા જ ગઈ તા.૨૭/૧૧/૨૫ ના રોજ ડોક્યુમેન્ટ્સ વેરીફીશેનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર બે જ દિવસમા તા.૨૯/૧૧/૨૫ ના રોજ સબંધિત ઉમેદવારોને ફોન થી જાણ કરવા
સાથે ૩૨ ઉમેદવારોની એક યાદી મનપાની વેબસાઈટ પર મુકી ઉમેદવારોને તા.૨/૧૨/૨૫ ને મંગળવારે રાજ્ય સરકાર ના જણાવેલ ઠરાવની એસી તેસી કરી વર્ગ-૩ ની જગ્યાઓ ભરવા માટે મૌખિક ઈન્ટરવ્યુ મા બોલાવવામાં આવ્યા છે. જેમાં ફાયર વિભાગમાં જ ફરજ બજાવતા એક કર્મચારી કે જેની સામે વિજિલન્સ તપાસ ચાલી રહી છે તેનો પણ સમાવેશ થયો છે. તેથી આ રૂબરૂ ભરતી પ્રક્રિયા માં મોટી ગરબડ કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહયા છે.
આ ઉપરાંત પસંદગી માટે ઉમેદવારોના લીસ્ટ મા જણાવેલ ઉમેદવારો પૈકી મોટા ભાગના ઉમેદવારો હાલમા મનપામા કે પછી રાજ્ય સરકાર મા ફરજ બજાવી રહેલા ફાયર ઓફિસરોના સગા જ હોવાનો ઘટસ્ફોટ ભરી વિગતો બહાર આવી રહી છે.
હાલમા પણ મનપાના ઘણા ઓફિસરો સામે બોગસ સ્પોન્સરશીપ બાબતે હાઈકોર્ટ મા કાનુની વિવાદ ચાલી રહેલ છે. જ્યારે ચાર ઓફિસરોને બોગસ સ્પોન્સરશીપ ના કેસ મા તથ્યો જણાતા નોકરી માંથી ડીસમીસ કરી દેવામા પણ આવેલ છે. આથી આવુ જ પાછુ પુનરાવર્તન થવાની શક્યતાઓ એ જોર પકડ્યું છે.
