Western Times News

Gujarati News

લગ્નમાં ગેંગવોર! ૬૦ રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યુંઃ ૩નાં મોત

AI Image

(એજન્સી)લુધિયાણા, પંજાબના લુધિયાણામાં શનિવારે મોડી રાત્રે એક લગ્ન સમારોહ ગેંગવોરનું મેદાન બની ગયો હતો, જ્યારે ગેંગસ્ટરોના બે જૂથો વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, લુધિયાણાના પક્ખોવાલ રોડ પર આવેલા બાથ કેસલ પેલેસમાં કોન્ટ્રાક્ટર વરિન્દર કપૂરના ભત્રીજાના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. આ સમારોહમાં યજમાને અંકુર ગેંગ અને શુભમ મોટા ગેંગ, એમ બંને જૂથોને આમંત્રણ આપ્યું હતું. અંકુર ગેંગના સભ્યો પહેલેથી જ પાર્ટીમાં હાજર હતા. મોડી રાત્રે જ્યારે શુભમ મોટા ગેંગના સભ્યો ત્યાં પહોંચ્યા, ત્યારે બંને જૂથો આમનેસામને આવી ગયા હતા.

જોતજોતામાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને મામલો એટલો વણસ્યો કે બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લગભગ ૬૦ રાઉન્ડથી વધુ ફાયરિંગ થયું હતું, જેના કારણે લગ્ન સમારોહમાં ભાગદોડ મચી ગઈ હતી.

લોકો જીવ બચાવવા માટે ચીસો પાડતા આમતેમ દોડવા લાગ્યા હતા. આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવીને બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.