Western Times News

Gujarati News

સિંહસદનની નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓને છેતરનાર રાજસ્થાની ઝડપાયો

જૂનાગઢ, સાસણ ગીર નેચર સફારી પાર્ક ખાતે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ પાસેથી ઓનલાઈન બુકિંગના નામે નાણાં પડાવવા બદલ રાજસ્થાનના મેવાતમાંથી નાસીર ખાન અયુબ ખાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

આ આરોપીએ સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગની નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી મોટાપાયે છેતરપિંડી આચરી હતી.

જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાસણ સફારી પાર્ક અને રેસ્ટ હાઉસ (સિંહ સદન)ની નકલી વેબસાઈટ દ્વારા છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

વન વિભાગના અધિકારી દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ, જે પ્રવાસીઓએ જંગલ સફારી અને સિંહ સદન માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, તેમણે જ્યારે તેની રિસીપ્ટ વન વિભાગને બતાવી, ત્યારે અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, સિંહ સદનમાં રોકાણ માટે આવી કોઈ ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ નથી.ગત તારીખ ૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાસણ ગેસ્ટ હાઉસ ખાતે ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ અધિકારી યશ ભરતકુમાર ઉમરાણીયાએ ફરિયાદ નોંધાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સિંહ સદન ગેસ્ટ હાઉસમાં માત્ર પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને જ વ્યવસ્થા આપવામાં આવે છે, જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી, કે ન તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે.મેંદરડા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સઘન તપાસ શરૂ કરી હતી.

આ તપાસના અંતે સિંહ સદન અને જંગલ સફારી પાર્કની નકલી બુકિંગ વેબસાઈટ બનાવનાર મુખ્ય આરોપી નાસીર ખાન અયુબ ખાનને રાજસ્થાનના મેવાતમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ૨ મોબાઈલ ફોન કબજે કર્યા છે.ઝડપાયેલા આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી છે અને તેના રિમાન્ડની માગણી પણ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ ગુનામાં તેને અન્ય કોણે મદદ કરી હતી.

આરોપી નાસીર ખાનની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેણે માત્ર સિંહ સદનની જ નહીં, પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ આશ્રમ નામની પણ બનાવટી વેબસાઇટો બનાવી હતી.

આ ઠગ આરોપી અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઇટો ઊભી કરીને તેના પર સંપર્ક માટે વ્હોટ્‌સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર મૂકતો હતો. તે પોતે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને પ્રવાસીઓને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરીને હજારો રૂપિયાની રકમ પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.