મહારાષ્ટ્રનો મોટો બૂકી અમદાવાદમાં બહેનના ઘરે આવ્યોને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો
અમદાવાદ, દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય, પરંતુ તેનો સટ્ટો તો અમદાવાદમાં જ રમાતો હોય છે. તે સમયે મહારાષ્ટ્રના થાણેનો મોટો બૂકી અમદાવાદમાં રહેતી પોતાની બહેનના ઘરે આવ્યો હતો. દરમિયાન એક્સપ્રેસ વે પાસે ક્રાઇમબ્રાંચના ભરત પટેલની ટીમે તેને ઝડપી લીધો છે.
બૂકી ભરત મારવાડીના મોબાઇલ આઇડીમાં ૪૧ લાખ રૂપિયાનું બેલેન્સ મળ્યું હતું. સાથે ગ્રાહકોનું લિસ્ટ પણ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. દેસાઈની ટીમને મળી આવ્યું હતું. બૂકી ભરત અન્ય લોકોને પણ માસ્ટર આઇડી – પાસવર્ડ આપતો હતો.
હાલમાં પોલીસે તેની તપાસ આદરી છે, જેમાં ઘણી વિગતો સામે આવવાની સંભાવના છે.અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ભરત પટેલની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ વે પર સિટી ઝીરો પોઈન્ટ પાસે એક બૂકી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડે છે.
જેથી પોલીસ ઇન્સ્પેકટર કે.કે. દેસાઈ પોતાની ટીમ સાથે ત્યાં દોડી ગયા હતા. જ્યાં બાતમીવાળા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેનું નામ ભરત જેઠારામ સોંગર (મારવાડી) (રહે. ઠાકુરવાડી, ડોંબીવલી વેસ્ટ, થાણે) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે તેને ઝડપી લઈ તેની તલાશી લેતાં તેના પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળ્યા હતા. ફોન ચેક કરતાં ક્રિકેટ સટ્ટાની ઓનલાઇન એપ્લિકેશન ખુલ્લી મળી આવી હતી, જેમાં ૪૧ લાખ રૂપિયાનું બેલેન્સ દેખાતું હતું.
તેમાં ગ્રાહકોના નામ કોડવર્ડ સાથે નોંધાયેલા હતા અને તેમના હારજીતની માહિતી પણ સામેલ હતી. બીજા મોબાઇલમાં પણ ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશન ઓપન મળી આવી હતી.પોલીસે બન્ને મોબાઇલ કબજે કરી લીધા છે અને ભરત મારવાડીએ માસ્ટર આઇડી કોના પાસેથી મેળવી અને તે પાસવર્ડ કોને આપતો હતો તેની તપાસ ચાલી રહી છે.
ખાસ કરીને ભરત સાથે અન્ય કયા મોટા બૂકીઓ જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.અમદાવાદમાં ઘણા પાનના ગલ્લે બૂકીઓ બેઠા બેઠા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા હોય છે.
થોડા મહિનાં પહેલાં જ ક્રાઇમ બ્રાંચે એક બૂકીનો મોબાઇલ તપાસ્યો ત્યારે તેમાં ૧,૪૦૦ કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગની વિગતો મળી આવી હતી. ઘણા બૂકીઓ એક્ટિવા પર બેસીને સટ્ટો લેતા હોય છે અને એક્ટિવા ચાલુ જ રાખતા હોય છે, જેથી પોલીસ કે કોઈ એજન્સી આવે તો તરત ભાગી શકાય.SS1MS
