Western Times News

Gujarati News

રેરાનો નવો આદેશ, બાંધકામ સાઇટ પર કયુઆર કોડવાળું બેનર ફરજિયાત

AI Image

અમદાવાદ, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી આૅથોરિટીએ મિલકત ખરીદનારા ગ્રાહકોના હિતમાં એક કડક નિર્ણય લીધો છે. પહેલી ડિસેમ્બરથી રાજ્યની તમામ બાંધકામ સાઇટ પર ડેવલોપર-બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ જરૂરી માહિતી દર્શાવતું બેનર બોર્ડ ક્વિક-રિસ્પોન્સ કોડ સાથે લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ નિયમનો હેતુ નાગરિકોને મકાન કે દુકાન ખરીદતી વખતે પ્રોજેક્ટના બાંધકામની માહિતી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે, તો તેને નિયમો અનુસાર દંડ કરવામાં આવશે, જે બિલ્ડરો પર જવાબદેહી વધારશે.

નવા નિયમ હેઠળ, રેરાએ હુકમ કર્યો છે કે બોર્ડ અથવા બેનરની લઘુતમ પહોળાઈ ૧.૨૦ મીટર અને લઘુતમ ઊંચાઈ ૨ મીટર રાખવાની રહેશે. આ બેનર પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઈ શકાય તે રીતે ૧.૫૦ મીટરથી ૨ મીટરની ઊંચાઈએ મૂકવાનું રહેશે. પારદર્શિતા જાળવવા માટે રેરા રજિસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટના રેરા કલેક્શન બૅંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે,

જ્યારે બોર્ડનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું વોટરપ્રૂફ મટીરિયલનું રાખવાનું ફરજિયાત છે. ઊઇ કોડ ઓછામાં ઓછો ૧૫ સે.મી. ઠ ૧૫ સે.મી. નો અને મોબાઇલ ફોન વડે સરળતાથી સ્કેન કરી શકાય તેટલો સ્પષ્ટ હોવો જરૂરી છે, જે ગ્રાહકોને સીધા રેરા વેબસાઇટ પર પ્રોજેક્ટની વિગતો તરફ લઈ જશે.

જવાબદેહી વધુ મજબૂત કરવા માટે, ડેવલોપરોએ પ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલ બોર્ડ/બેનરનો જિયો-ટેગવાળો ફોટોગ્રાફ હવે પછી ભરવાના થતાં તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલમાં અપલોડ કરવો પડશે. રેરાની આ પહેલથી એલોટી (ફાળવણી કરનાર) અને સંભવિત ગ્રાહકોને પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, સરકારી મંજૂરીઓ અને બાંધકામની ગુણવત્તા જેવી મહત્ત્વપૂર્ણ માહિતી સ્થળ પર જ ઉપલબ્ધ થશે, જે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) ઍક્ટ ૨૦૧૬ના મુખ્ય ઉદ્દેશ્ય, એટલે કે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.