Western Times News

Gujarati News

ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડી લઈ જવાતો રૂ.૬૪.૧૧ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

AI Image

(પ્રતિનિધિ) દાહોદ, કતવારા પોલીસે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કતવારા બાયપાસ પાસે કશીશ હોટલ આગળ ગોઠવેલ વોચ દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ બાજુથી ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતા રૂપિયા ૬૪.૧૧ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ ના જથ્થા સાથે સફેદ કલરનો ટાટા કંપનીનો આઇસર ટેમ્પો પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી રૂપિયા ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન તથા રૂપિયા ૨૦ લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળી રૂપિયા ૮૪,૧૧,૬૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.

શિયાળો તેમજ લગ્નસરાની સીઝન ને ધ્યાનમાં લઇ તગડો વેપલો રળી લેવાની મંછા રાખી ગુજરાતના બુટલેગરો સક્રિય બન્યા છે અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો વાયા દાહોદના રસ્તે ગુજરાતમાં ઘુસાડવા વિવિધ કીમીયા અપનાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ દાહોદ પોલીસ પણ પોતાના બાતમીદારોને વધુ સક્રિય બનાવી તગડો નફો રળવાની બુટલેગરની મંછા પર પાણી ફેરવી રહી છે.

તેવા સમયે પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ પેટ્રોલિયમમાં નીકળેલા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ ગાવિતને ખાનગી રાહી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ઝાબુઆ,પીટોલ થઈ આરજે ૦૪જીસી-૮૨૨૯ નંબરના સફેદ કલરનો ટાટા કંપનીનો આઇસર ટેમ્પો માં ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો સંતાડીને ગુજરાત તરફ જવા દાહોદ વાળા રસ્તે આવી રહ્યો છે.

જે બાતમીના આધારે કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએન ગાવીત, પીએસઆઇ વીવી નીનામા, એ.એસ.આઇ અલ્તાપખાન બસીર ખાન, ઈશ્વરભાઈ ભગાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમસિંહ ફુલ સિંહ, સુરેશભાઈ ગુલસીંગભાઇ, પ્રતાપભાઈ માનજીભાઈ, નરપતસિંહ રતનસિંહ તેમજ સુરેશભાઈ જવશીંગભાઈ વગેરેનાઓની ટીમ ગત મોડી રાતે કતવારા ગામે કશીશ હોટલ આગળ ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ ઉપર કતવારા બાયપાસ પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોતી હતી

તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબર વાળો રાજસ્થાન પાસિંગનો ટાટા કંપનીનો સફેદ કલરનો આઇસર ટેમ્પો કશિશ હોટલ આગળ આવતા વોચમાં ઉભેલ કતવારા પોલીસે તેને હાથ નો ઈશારો કરી રોક્યો હતો.

અને રોડની સાઈડમાં કરાવી સદર ટેમ્પોમાં શું ભરેલ છે જે બાબતે પૂછતા, ટેમ્પોના ડ્રાઈવરે ટેમ્પો માં ડુંગળીના કટ્ટા ભરેલ હોવાનું જણાવવા ગલ્લા ગલ્લા કરતા પોલીસે ટેમ્પોના ડ્રાઇવરને ટેમ્પોમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ હનુમાનરામ સુખરામ જાંગુ(બિશ્નોઇ),રહે. જાંગુઓકી ઘાણી ઉપરલા તાલુકો ચોહટન જી. બાડમેર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

તે ટેમ્પોમાં શંકાસ્પદ લાગતા ઉપર ચડીને ગાડી જોતા તેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડેલો નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટેમ્પો માંથી રૂપિયા ૬૪,૧૧,૬૦૦/-કુલ કિંમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ નાની મોટી બોટલ નંગ-૬૭૩૨ ભરેલ પેટીયો નંગ-૪૧૧ પકડી પાડી ગાડી ના ચાલક પાસેથી

રૂપિયા ૧૦ હજારની કુલ કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતનો ટાટા કંપનીનો આઇસર ટેમ્પો તથા તથા રૂપિયા ૫૦૦૦/-ની કુલ કિંમતના ડુંગળીના કટ્ટા નંગ-૫૦ મળી કુલ રૂપિયા ૮૪,૨૬,૬૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ ચાલકની પૂછ પૂછપરછ કરતા સદર દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવી હળવદ મોરબી ખાતે બુટલેગરને ત્યાં પહોંચાડવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું.

કતવારા પોલીસ આ સંબંધે આઇસર ટેમ્પોના ચાલક હનુમાનરામ સુખરામ જાંગુ(બિશ્નોઇ), રાજસ્થાનના બાડમેર જિલ્લાના જાંગુઓકી ઘાણી ઉપરલા ગામના રાજેન્દ્ર રામ ઉર્ફે રાજુભાઈ દેવારામ જાંગુ(બિશ્નોઇ), રાજસ્થાનના બાડમેર જિલ્લાના નેડીનાડી ગામના રાજુભાઈ સોહનલાલ તેતરવાલ (બિશ્નોઇ) તથા સદર દારૂનો જથ્થો મંગાવનાર હળવદ મોરબીનો બુટલેગર મળી કુલ ચાર જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.