મંદિરમાં સેવા આપતાં શખ્સે અમેરિકા ટુર લઈ જવાના બહાને પૌઢ મહિલા સાથે છેતરપિંડી કરી
સસ્તામાં અમેરીકાની ટૂરમાં લઇ જવાના બહાને મહિલા સાથે 2.24 લાખની છેતરપિંડી-અમરેલીના શખસે ત્રણ લાખ લીધા બાદ હોટલ બૂકીંગ અને અન્ય ખર્ચના રૂ.૮ લાખ માંગ્યાઃ મહિલાની ફરિયાદ
અમરેલી, અમરેલીમાં રોજબરોજ વિશ્વાસઘાત અને છેતરપીંડીના બનાવો બની રહ્યાં છે. ગઈકાલે એક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી
અને નિવૃત્ત જીવન ગુજારતા મહિલાને સસ્તા ભાવમાં અમેરિકાની ટૂરમાં લઇ જવા બાબતે અમરેલીમાં ગાંધીબાગ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં આશરે છ મહિના સેવા કરતા હોય તેમજ છ મહિના અમેરિકા ખાતે રહેતા ઇસમે મહિલાને લલચાવી રૂપિયા ૨,૨૪,૦૦૦ની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અમરેલીમાં નાગનાથ મંદિર પાસે આવેલા શિવ કોમ્પ્લેક્ષમાં રહેતા અને સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આશાબેન જયંતીલાલ કેશવલાલ દવે નામનાં ૬૫ વર્ષીય મહિલાને ગત નવેમ્બર ૨૦૨૪માં તેમનાં મિત્રો સાથે અમેરિકા ટુરમાં જવાનું હોવાથી, તેમનાં ઓળખીતા કૌશીકભાઈ ભગવાનભાઈ મીસ્ત્રી જેઓ અમરેલી ગાંધીબાગ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં આશરે છ એક મહિના સેવા કરતા અને છ મહિના અમેરિકા ખાતે રહેતા હોય,
તેમને આ મહિલા છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હતા. જેથી તેણી આ કૌશીકભાઈ મીસ્ત્રીને આ ટુર બાબતે વાત કરતા આરોપી કૌશીકભાઈ મીસ્ત્રીને આ ટુર બાબતે વાત કરતા આરોપી કૌશીકભાઈ મીસ્ત્રીએ જણાવ્યું કે,
અમેરીકા ખાતે ટુરમાં બીજા અન્ય ટ્રાવેલ કંપનીથી સસ્તા ભાવે તથા વધુ ફેસીલીટી આપીશ. જેથી ફરિયાદી મહિલાએ એપ્રીલ ૨૦૨૫માં અમેરીકા જવાનું નક્કી કર્યા બાદ આરોપી સાથે અમેરીકા ટુરનાં જેમાં ટ્રાવેલીંગ તેમજ હોટેલ મળી કુલ રૂપિયા ૪,૦૦,૦૦૦નો ખર્ચ નક્કી કરેલ અને તે બાબતે આરોપીએ અલગ અલગ રીતે મહિલા પાસેથી રૂપિયા ત્રણેક લાખ લઈ લીધાં બાદ ટુરમાં હોટલ બુકીંગ અન્ય ખર્ચ મળીને રૂપિયા ૮,૦૦,૦૦૦ થશે
તેવું આરોપીએ આ મહિલાને કહેતા મહિલાને આ પેકેજ વધારે કિંમતનું લાગતા મહિલાએ ટુરમાં જવાનું ટાળ્યું અને આ એરલાઈન્સની ટીકીટ સિવાયનાં બાકી રહેતા રૂપિયા ૨,૨૪,૦૦૦ મહિલાએ પરત માંગતાં આરોપીએ બાકી રહેતી રકમ રૂપિયા ૨,૨૪,૦૦૦ પરત મળવા પાત્ર નથી અને આ તમામ રૂપિયા મારા સર્વિસ ચાર્જમાં ગણી લેજો પૈસા આપીશ નહીં કહી રૂ.૨.૨૪ લાખ ન આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
