Western Times News

Gujarati News

હું બાવો ને મંગળદાસનું અભૂતપૂર્વ રાજકારણ ?!

મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારમાં યોજાનારી ચૂંટણીમાં વકીલ મતદારો અને સંભવિત ઉમેદવારો જાગૃત બની અંતરઆત્માના અવાજ મુજબ નહીં વર્તે તો કથિત વ્યુહાત્મક છેતરપિંડીનો ભોગ કથિત સ્થાપિત હિતો બનાવશે ?!

તસ્વીર મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટના ન્યાયસંકુલની છે ! જેમા ડિસેમ્બરમાં ફોજદારી કોર્ટ બાર એટલે કે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી યોજાવા જઈ રહી છે ! તેમાં અનેક ઉમેદવારો ચૂંટણી લડવા થનગની રહ્યા છે ! ફોજદારી બારમાં હોદ્દાની ભાગબટાઈનું રાજકારણ ઘણાં વર્ષાેથી ચાલે છે ! અને છેલ્લે સોદાબાજી થાય છે ! વોટ ટ્રાન્સફરનું રાજકારણ જે દેશની ચૂંટણીમાં ચાલે છે ? “ડીનર ડીપ્લોમસ” કહેવાય છે ! કે કથિત રેવપાર્ટીનું રાજકારણ પણ ચાલતું હોવાનું ચર્ચાય છે ?!

ઉમેદવારો માટે ચૂંટણી જીતવી જાણે “જીવન મરણનો જંગ હોય” એ રીતે લડાય છે ! હજારો રૂપિયા ખર્ચાય છે ?! કેટલાક કહે છે કે કેટલાક કથિત નેતાઓની જીંદગીની વકીલાત કથિત ચેમ્બર પ્રેકટીસ પર ચાલે છે ?! માટે રૂપિયા ખર્ચાય છે ?! તો કોઈ કહે છે કે, હવે પછી ફેબ્રુઆરી, ૨૦૨૬ માં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવા જઈ રહી છે !

તેમાં જુનીયર્સ વકીલોને “લોલીપોપ” પકડાવી બાર કાઉન્સિલના સંભવિત ઉમેદવારો કથિત નેતાઓ પોતાના વોટ સિકયોર કરવા બધાને ટેકો આપ્યાનું કહીને કથિત છેતરપિંડી કરશે એટલે વકીલ મંડળની ચૂંટણી લડતો ઉમેદવાર “કથિત ગોડફાધર” માની બાર કાઉન્સિલની ચૂંટણીમાં એકડા – બગડા સિકયોર કર્યા છે ?! ચૂંટણી જીત્યા પછી આવા જીતેલા ઉમેદવારોને કહેવામાં આવે છે કે, “મેં તને ટેકો આપ્યો માટે તું જીત્યો ?!”

આવા કથિત છેતરપિંડીના રાજકારણનો ભોગ કારોબારી પદ પર ચૂંટણી લડતા ઉમેદવારો બને છે ?! કહેવાય છે કે, મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં આવું રાજકારણ જોરશોરથી ચાલશે? ને જુનીયર્સ વકીલો છેતરાતા રહેશે ?! ત્યારે ઉમેદવારો અને વકીલ મતદારો બન્નેએ જાગૃત બનવાની શું જરૂર નથી લાગતી ?!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલ વકીલોની માતૃસંસ્થાનું નેતૃત્વ કરતા હોઈ તેઓ વકીલ મંડળોની ચૂંટણીથી દુર રહી કિંગમેઈકરની ભૂમિકા અદા નહીં કરે !

મહાત્મા ગાંધીએ સરસ કહ્યું છે કે, “સત્ય શું છે ?! એ પ્રશ્ન પેચીદો છે ! પરંતુ મેં તેને મારી રીતે ઉકેલી નાંખ્યો છે “હું કહું છું કે તમારા અંતરઆત્માના અવાજ કહે એ જ સત્ય” અમેરિકાના રાજનિતીજ્ઞ માર્ટીન લ્યુથર કિંગ કહે છે કે, “માણસને દુશ્મનના શબ્દો નહીં, દોસ્તીનું મૌન યાદ રહી જાય છે”!
સમગ્ર ગુજરાતના વકીલ મંડળોની ચૂંટણી યોજાવા જઈ રહી છે !

મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી હોટફેવરીટ બનતી જાય છે ! કારણ કે આ વખતે “હું બાવો ને મંગળદાસ” ની ચૂંટણીલક્ષી દ્રષ્ટિકોણ ટોક ઓફ ધી બાર બન્યો છે ! ફોજદારી કોર્ટમાં જીવું ત્યાં સુધી હું જ કોઈને કોઈ હોદ્દા પર હોવો જોઈએ ! ને બીજાને ચાન્સ જ ના આપું ?! એ મુદ્દા પર વકીલોમાં નારાજગી જોવા મળે છે ! પરંતુ “હું બાવો ને મંગળદાસ” નું રાજકારણ ફોજદારી બારમાંથી હટાવવું હશે તો વકીલ મતદારોએ સ્વંયભૂ જાગૃત બનવું પડશે ! નહીં તો આ કાલચક્રને કોઈ વિંધી શકશે નહીં !

ભારતમાંથી અંગ્રેજો જવા માંગતા જ નહોતા પરંતુ પ્રજા જાગૃત બની તો બ્રિટીશરોને ભગડાયા ! એ રીતે ફોજદારી કોર્ટ બારના વકીલો સ્વંયભૂ જાગૃત બની બીજાને ચાન્સ આપવામાં મદદ કરશે તો “હું બાવો ને મંગળદાસ” નું ચૂંટણીલક્ષી રાજકારણ અટકશે ?! માટે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારના વકીલો જાગૃત બનવા માંગે છે ? કે ફકત ચર્ચાઓ કરીને જ સંતોષ માનશે ?! વકીલ મતદારો પોતે જ સ્વંયભૂ જાગૃત બની કથિત ચેમ્બર પ્રેકટીસ નહીં અટકાવે તો આવતી કાલે તેમની કદાચ વકીલાત સામે પણ પડકાર ઉભો થઈ શકે છે ?!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલ એ સમગ્ર વકીલોનું નેતૃત્વ કરે છે માટે આ વર્ષે તેઓ કોઈપણ બારની ચૂંટણીમાં રસ નહીં લે ?! કે કોઈ ઉમેદવારને જીતાડવા કે હરાવવા માટે કોઈ સક્રીય ભૂમિકા અદા નહીં કરે ?!

અમેરિકાના પ્રમુખ જહોન એડમ્સે કહ્યું છે કે, “શક્તિ હંમેશા મહાન આત્મા અને વિશાળ દ્રષ્ટિ સાથે સંકળાયેલી હોય છે જે નબળા લોકોની સમજ બહાર હોય છે”! ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન એટલે “સમગ્ર વકીલ આલમનું નેતૃત્વ”! એ નાતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે જાહેર કર્યુ છે કે, “સમગ્ર ગુજરાતના વકીલ મંડળોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યો તેઓ કોઈપણ બારના કોઈપણ ઉમેદવારને ટેકો આપશે નહીં કે કોઈપણ ઉમેદવાર વિરૂધ્ધ પ્રચાર કરશે નહીં”! આ ઉપરથી એવું લાગે છે કે, હવે શ્રી જે. જે. પટેલ “કિંગમેઈકર” ની ભૂમિકામાં નહીં રહે !

આનાથી એક ફાયદો એ પણ થશે કે “હું બાવો ને મંગળદાસ” ના રાજકારણને પ્રોત્સાહન નહીં મળે ! તેમનું નામ લઈને કોઈ મત નહીં માંગે ! ત્યારે હવે વકીલ મતદારોને હવે સ્વંયભૂ પોતાના અંતરઆત્માના અવાજ મુજબ મતદાન કરી સત્તા પરિવર્તન લાવવા જાગૃત વકીલો સ્વંયભૂ ભૂમિકા અદા કરશે ?!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.