વક્ફ પ્રોપર્ટી નોંધણી માટે સમયમર્યાદા લંબાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઉમ્મીદ પોર્ટલ પર વક્ફ પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનની સમયમર્યાદા લંબાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યાે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ કારણોસર રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી તો સમયમર્યાદા લંબાવવાની માંગ વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ કરી શકાશે. વિવિધ વક્ફ ટ્રસ્ટોના વ્યવસ્થાપકો કરેલી અરજીમાં કહેવામાં આવ્યું કે, ઉમ્મિદ પોર્ટલ પર વક્ફ પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન માટે ૬ મહિનાનો સમય અપાયો હતો.
પરંતુ વક્ફ એક્ટ પર વચગાળાનો ચુકાદો આવવામાં પાંચ મહિનાનો સમય લાગી ગયો. હવે એવામાં રજિસ્ટ્રેશન માટે અરજી કરવામાં સમય ખૂબ ઓછો રહી ગયો છે. આ સમયમર્યાદાને લંબાવવી જોઈએ.
અરજદારોએ સર્વરમાં થઈ રહેલી સમસ્યા અને વ્યવસ્થાપકોની ગેરહાજરીનો પણ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટની કલમ ૩બી અંતર્ગત વક્ફ ટ્રિબ્યુનલને આ મામલામાં સમયમર્યાદા લંબાવવાનો અધિકાર છે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની બેન્ચે તમામ અરજીનો નિકાલ કરીને અરજદારોને સૂચના આપી છ કે આ નિયત સમયમાં સંબંધિત ટ્રિબ્યુનલ્સ સમક્ષ સમયમર્યાદા લંબાવવાની માંગ કરી શકો છો. આ કેસની સુનાવણીના આરંભમાં સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે દલીલ આપી કે સંશોધન આઠમી એપ્રિલથી લાગુ થયું, પોર્ટલ ૬ જૂને બનાવ્યું, નિયમ ત્રણ જુલાઈ આવ્યા અને વક્ફ કાયદાને લઈને વચગાળાનો આદેશ ૧૫મી સપ્ટેમ્બરે આવ્યો.
એટલે છ મહિનાની સમયમર્યાદા ખૂબ ઓછી છે. કારણ કે દોઢસો વર્ષ જૂના વક્ફોમાં વક્ફની વિગતો કે માહિતી મળવી મુશ્કેલ છે અને તેના વિના વિગતોને પોર્ટલ અપલોડ કરતું નથી.આ કેસમાં અન્ય એક વકીલ અભિષેક મનુ સિંધવીએ પણ ઉમ્મિદ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓનો હવાલો આપીને સમય લંબાવવાની માંગ કરી હતી.
જોકે, સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જવાબ આપ્યો કે કલમ ૩બીની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલ સમયમર્યાદા લંબાવી શકે છે. એટલે દરેક વક્ફ ટ્રસ્ટ અલગ-અલગ ટ્રિબ્યુનલમાં જઈને સમયમર્યાદા લંબાવવાની માંગ કરી શકે છે. છેવટે સમયમર્યાદા લંબાવવાનો ઈનકાર કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે વક્ફ પ્રોપર્ટીની નોંધણી માટેની સમયમર્યાદા ૬ ડિસેમ્બર સુધીની જ છે.SS1MS
