Western Times News

Gujarati News

સ્વિટ્‌ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સનો પ્રસ્તાવ ૭૮ ટકા મતથી ફગાવાયો

ઝુરિચ, સ્વિટ્‌ઝર્લેન્ડમાં સમાજવાદી પાર્ટીઓએ ધનવાનો પર ટેક્સ લગાડવાની ભલામણ કરીને દેશવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે સ્વિટ્‌ઝર્લેન્ડમાં જનમત સંગ્રહ થયો હતો. એમાં ધનવાનો પર તોતિંગ ૫૦ ટકા ટેક્સ લગાડવાના પ્રસ્તાવને ૭૮ ટકા વોટિંગથી નાગરિકોએ નકારી દીધો હતો.

ભારતમાં રાહુલ ગાંધીએ પણ ૨૦૨૪ની ચૂંટણીમાં આ પ્રકારની યોજના લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સ્વિટ્‌ઝર્લેન્ડના સમાજવાદી પક્ષોએ તેનાથી પ્રેરિત થઈને કેમ્પેઈનિંગ કર્યાનું કહેવાય છે.

સ્વિટ્‌ઝર્લેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની યુવાપાંખ જેયુએસઓએ ધનવાનો પર ૫૦ ટકા વારસાઈ ટેક્સ લાદવા અંગે દેશવ્યાપી કેમ્પેઈનિંગ કર્યું હતું. શરૂઆતમાં એ ઝુંબેશને લોકસમર્થન પણ મળતું હતું.

આ પાર્ટીની યુવાપાંખે એવું સૂત્ર બનાવ્યું હતું કે દેશના ધનવાન પરિવારોને વારસામાં ધન-સંપત્તિ મળે છે, જ્યારે સામાન્ય લોકોના ભાગે ક્લાઈમેટ ચેન્જ, મોંઘવારી, આર્થિક અનિશ્વિતતા વગેરે આવે છે. આ અસંતુલન ન ચાલે. સંતુલન જાળવી રાખવા માટે ધનવાનોએ ૫૦ ટકા વારસાઈ ટેક્સ ચૂકવવો જોઈએ.આ કેમ્પેઈનિંગ રાહુલ ગાંધીની ૨૦૨૪ની ‘ખટાખટ’ યોજના જેવું હતું.

જેમાં રાહુલ ગાંધીએ કહેલું કે ધનવાનો પાસેથી પૈસા લઈને તે મહિલાના અકાઉન્ટ્‌સમાં ખટાખટ ખટાખટ એક લાખ રૂપિયા નાખી દેશે. જોકે, રાહુલ ગાંધીનું કેમ્પેઈન સફળ થયું ન હતું અને પાર્ટી સત્તામાં આવી ન હતી. એ જ રીતે તેનાથી પ્રેરિત સ્વિટ્‌ઝર્લેન્ડનું વારસાઈ ટેક્સનું કેમ્પેઈન પણ સફળ થયું ન હતું.

જનમત સંગ્રહમાં ૭૮ ટકાથી વધુ મતદારોએ પ્રસ્તાવના વિરોધમાં વોટિંગ કર્યું હતું. મતદારોએ સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે જેની પાસે જે છે એની પાસે જ એ રહેશે.

ધનવાનો પર વારસાઈ ટેક્સ લગાડવાની વિરોધમાં એવી દલીલ થઈ હતી કે જો મોટો ટેક્સ લગાડાશે તો બેકિંગ સેક્ટરને અસર થશે. ધનવાનો દેશ છોડીને અન્ય દેશોમાં ચાલ્યા જશે અને સરવાળે સરકારની ટેક્સની આવક ઘટી જશે. ટેક્સથી ટૂંકાગાળે ફાયદો થશે તો પણ લાંબાગાળે મોટું નુકસાન થશે. વારસાઈ ટેક્સની વિરોધની આ દલીલ લોકોએ માન્ય રાખી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.