Western Times News

Gujarati News

મોતની અફવાઓ વચ્ચે ઇમરાન ખાનને મળી ઉઝમા ખાન

(એજન્સી)રાવલપિંડી, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન ઉઝમા ખાન મંગળવારે રાવલપિંડીની અડિયાલા જેલમાં તેમને મળી હતી. જેલમાંથી બહાર નીકળ્યા બાદ ઉઝમાએ જણાવ્યું હતું કે તેનો ભાઈ ઇમરાન સંપૂર્ણપણે સ્વસ્થ છે. બંને લગભગ ૨૦ મિનિટ સુધી મળ્યા હતા. ઉઝમાએ જણાવ્યું હતું કે ઇમરાન ખાન સંપૂર્ણ સ્વસ્થ છે. તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, અને આ બધા માટે આસીમ મુનીર જવાબદાર છે.

તેણીએ કહ્યું કે તે તેની બે બહેનો, અલીમા ખાન અને નૌરીન ખાન સાથે વાત કર્યા પછી વધુ માહિતી શેર કરશે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, મુલાકાત પહેલા ઉઝમાએ અલીમા ખાન સાથે લાંબી વાતચીત કરી હતી. ઇમરાન ખાન ૨૭ દિવસ પછી પરિવારના કોઈ સભ્ય સાથે મુલાકાત કરી છે. તેઓ અગાઉ ૫ નવેમ્બરના રોજ તેમની બહેન નૌરીન ખાનને મળ્યા હતા.

ગયા મંગળવારે સમર્થકો અને પરિવારના સભ્યોએ ઇમરાન ખાનની મુલાકાત લીધી હતી, પરંતુ જેલ વહીવટીતંત્રે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, અફવાઓ ફેલાઈ ગઈ કે ઇમરાન ખાનનું મૃત્યુ થયું છે અને પાકિસ્તાન સરકાર તેને છુપાવી રહી છે. આજે સમગ્ર પાકિસ્તાનમાં એક મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેના કારણે રાવલપિંડીથી ઇસ્લામાબાદ સુધી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન સરકારે ૧થી ૩ ડિસેમ્બર સુધી રાવલપિંડીમાં જાહેર સભાઓ, રેલીઓ, સરઘસો, ધરણા અને પાંચથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. કલમ ૧૪૪ અમલમાં છે.

ડેપ્યુટી કમિશનર ડૉ. હસન વકારે આ અંગે આદેશ જારી કર્યો છે. આ આદેશમાં શસ્ત્રો, લાકડીઓ, ગોફણ, પેટ્રોલ બોમ્બ અને વિસ્ફોટકો લઈ જવા પર પ્રતિબંધ છે. દ્વેષપૂર્ણ ભાષણો, પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ, મોટરસાઇકલ પર બેસેલા બે લોકો અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પણ સખત પ્રતિબંધ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.