Western Times News

Gujarati News

મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-૧

પ્રતિકાત્મક

ગણતરી દરમિયાન રાજ્યભરમાં ૧૬ લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા

અમદાવાદ, ગુજરાતમાં ૨૦૨૫ની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, આ ઝુંબેશમાં ૧૧મી ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં ફોર્મના ડિજિટાઈઝેશન (અંકીયકરણ)ની કામગીરીમાં ડાંગ જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. જો કે, આ યાદીમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોનો સમાવેશ થયો નથી.

મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મને ડિજિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડાંગ જિલ્લો ૯૩.૫૫ ટકા ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં નંબર ૧ પર રહ્યો છે. જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-૧૦ જિલ્લાઓની યાદીમાં સ્થાન મેળવી શક્્યા નથી.

રાજ્યમાં કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે. ગણતરી દરમિયાન રાજ્યભરમાં ૧૬ લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે ૪.૪૦ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ ૨૩ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત ૨.૮૨ લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

સીઈઓ કચેરી દ્વારા મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ બૂથ લેવલ ઓફિસરની અસરકારક કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.