૧૯ વર્ષીય વિદ્યાર્થીનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
રાજકોટ, રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ૧૯ વર્ષીય વિદ્યાર્થીએ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૂળ હૈદરાબાદનો વતની ગુનુસાંઈ વર્ધન રેડ્ડી કોમ્પ્યુટર સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે બેડીથી સોખડા વચ્ચે આવેલા રેલવે બ્રિજ પાસે પાટા પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ મકવાણા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. શરૂઆતમાં યુવકની ઓળખ થઈ શકી નહોતી, જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન, યુવકના ખિસ્સામાંથી મળેલા કાગળોના આધારે પોલીસે તેના મિત્રોનો સંપર્ક કર્યાે અને મૃતકની ઓળખ ગુનુસાંઈ વર્ધન રેડ્ડી (ઉં.૧૯) તરીકે થઈ.
મિત્રોની પૂછપરછમાં જાણવા મળ્યું કે ગુનુસાંઈ મોરબી રોડ પર આવેલ આર.સી.ટી. એપાર્ટમેન્ટમાં આવેલી હોસ્ટેલમાં રહેતો હતો. તેના પરિવારજનો હૈદરાબાદમાં ખેતી કામ કરે છે અને તે એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો.ગુનુસાંઈ રવિવારે સાંજના ૫.૩૦ વાગ્યાની આસપાસ હોસ્ટેલથી નીકળ્યો હતો અને તેના નીકળ્યાના લગભગ ૨૦ મિનિટ બાદ રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પીએમ બાદ તેના મિત્રો મૃતદેહ લઈને વતન હૈદરાબાદ જવા રવાના થયા હતા.SS1MS
