Western Times News

Gujarati News

અભિનેતા રણવીર સિંહે જાહેરમાં માફી માગવી પડી

મુંબઈ, રણવીર સિંહ તાજેતરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ખાતે પોતાની ફિલ્મના પ્રમોશન માટે હાજર રહ્યો હતો. જેમાં તેણે કંતારા ચેપ્ટર ૧ના ક્લાઇમેક્સના રિષભ શેટ્ટીના સીનની નકલ કરી હતી. બહુ જલ્દી તેનો આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. તેના કારણે લોકોએ તેને ટ્રોલ કર્યાે હતો. આ સીનમાં રીષભ શેટ્ટી ચામુંડા દેવીનો અવતાર બને છે, પરંતુ રણવીરે આ બાબતને ભુત ગણાવી અને તેની નકલ કરતા તેને અપમાનજનક ગણવાઈ હતી.

હવે રણવીરે આ અંગે એક જાહેર માફી માગી છે. તેણે જાહેર નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે કે તેનો ઇરાદો કોઈને દુઃખી કરવાનો નથી અને તેણે માફી માગી છે. રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું છે, “મારો ઇરાદો ફિલ્મમાં રિષભની અદ્દભુત એક્ટિંગ બતાવવાનો હતો. એક કલાકાર તરીકે હું સમજી શકું છું કે એણે જે રીતે એ સીન કર્યાે છે, તે કરવામાં કેટલી મહેનત કરવી પડે છે, તેના માટે મારા મનમાં તેના માટે ખુબ માન છે.

મને હંમેશા આપણા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને માન્યતાઓ માટે ખુબ માન રહ્યું છે. જો મે કોઈની લાગણી દુભાવી હોય તો હું દિલથી માફી માગું છું.” આઈએફએફઆઈ ગોઆ ૨૦૨૫ની ક્લોઝિંગ સેરેમનીમાં રણવીરે રિષભ શેટ્ટીના વખાણ કર્યા હતા.

આ સમયે રિષભ પણ ઓડિયન્સમાં હાજર હતો. આ એક હળવી મજાક હતી જેણે બહુ જલ્દી ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોકોએ તુલુ સમાજના ચામુંડા દેવીના અપમાનને એક સ્ત્રી ભુત ગણાવતા ટ્રોલ કર્યાે હતો. કેટલાંક લોકોએ તેને બોલિવૂડના સાઉથની ફિલ્મ માટેની ઇર્ષ્યા પણ ગણાવી હતી. તેથી રણવીરે હવે આ મુદ્દે માફી માગી લીધી છે. બીજી તરફ તેની ફિલ્મ ‘ધુરંધર’માં તેના રોલ બદલ પણ દિલ્હી હાઇ કોર્ટમાં અરજી થઈ છે, તે મુદ્દે પણ તેની ફિલ્મ વિવાદમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.