Western Times News

Gujarati News

મુખ્ય નિર્વાચન અધિકારીની માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક

BJP, INC, AAP અને BSPના પ્રતિનિધિઓ હાજર રહ્યા-માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

Ahmedabad, સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છેતા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO શ્રી હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કેહાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની જેમ ખૂબ જ ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે. જે પ્રશંસાને પાત્ર છે.

નાગરિકોની સવલત માટે માન્ય રાજકીય પક્ષોના કુલ 50 હજારથી વધુ BLA પણ મતદાનયાદીની ખાસ સઘન સુધારણામાં મદદરૂપ બની રહ્યા છે. તદુપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વસ્તી જટિલતાને ધ્યાને લઈને BLOની મદદ માટે રાજ્યભરમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની પણ નિયુક્તિ કરાઈ છે. આગામી તબક્કાઓમાં BLO અને BLAની ભૂમિકા મહત્વની હોઈમાન્ય રાજકીય પક્ષો વધુમાં વધુ BLAની નિયુક્તિ કરે તેવો અનુરોધ પણ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ કર્યો હતો.

મતદારોની મુંઝવણ અને પ્રશ્નોના સમાધાન માટે તા.15, 16, 22, 23, 29 અને 30 નવેમ્બર એમ 6 દિવસ રાજ્યભરમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 50 લાખથી વધુ લોકોએ લીધો હતો. આગામી તબક્કાઓમાં પણ આવા કેમ્પ આયોજીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કેતા. 16 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ સમાવિષ્ટ ન હોય તેવા મતદારોની યાદી સમાવિષ્ટ ન થવાના કારણો સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રકાશિત કરવામાં આવશે તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને તે કારણસર તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન આવે તેવા કિસ્સામાં તેઓ ફોર્મ નં 6 ભરી શકશે. તા.15 જાન્યુઆરી 2026 પહેલા જે મતદારનું ફોર્મ નં 6 મતદાર નોંધણી અધિકારીને મળી જશેતેમના ફોર્મ મંજૂર થયેથી તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે.

તા. 15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે અને તેવા મતદારોના નામનો સમાવેશ SIR બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે. બેઠકના અંત ભાગમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો હેતુ પુનઃ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓએ પણ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી પંચને સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.