કેવાયસી અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. ૮.૨૭ લાખ સેરવી લેવાયા
Files Photo
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, જેમાં તાજેતરમાં પ્રગતિનગર વિસ્તારના ૬૪ વર્ષીય કોન્ટ્રાક્ટર અર્ચિશકુમાર ભટ્ટ છેતરપિંડીનો ભોગ બન્યા છે. બેંક કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને એક અજાણ્યા કોલરે તેમને અપડેટ કરાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા અને તેમની અંગત બેંક વિગતો મેળવી લીધી હતી.
આ વિગતોનો દુરુપયોગ કરીને ગઠિયાઓએ અર્ચિશકુમાર ભટ્ટના બેંક ખાતામાંથી કુલ રૂપિયા ૮,૨૭,૫૦૦ ની માતબર રકમ ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર દ્વારા હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આ છેતરપિંડીની ઘટના ગત ૨૩ જૂન ૨૦૨૫ ના રોજ સવારે આશરે ૧૦ઃ૩૦ વાગ્યે બની હતી,
જ્યારે ૬૪ વર્ષીય અર્ચિશકુમાર ભટ્ટના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. કોલ કરનારે પોતાનું નામ દિપક શર્મા આપીને પોતે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ખાસ કરીને, કોલર આઈ.ડી. પર આઈસીઆઈસીઆઈ બેંકનો ફોટો દેખાતો હોવાથી વૃદ્ધ ફરિયાદીને સરળતાથી વિશ્વાસ બેસી ગયો હતો. આ ઠગે અર્ચિશકુમારને ધમકાવતા જણાવ્યું કે તેમના ખાતાનું કેવાયસી (નો યોર કસ્ટમર) અપડેટ બાકી છે
અને જો તુરંત ઓનલાઈન પ્રોસેસ નહીં કરવામાં આવે, તો તેમના ખાતામાંથી રૂપિયા ૫,૦૦૦નો ચાર્જ કપાશે અને ખાતું ફ્રીજ કરી દેવામાં આવશે. જોકે, ફરિયાદી અર્ચિશકુમાર ભટ્ટે પોતાનું મુખ્ય ખાતું યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં હોવાનું જણાવતા ઠગે તુરંત જ તે ખાતાનું ઓનલાઈન કેવાયસી કરી આપવાની તૈયારી દર્શાવી. ત્યારબાદ આ ગઠિયાએ વોટ્સએપ પર એક ખાસ લિંક મોકલી,
જેમાં ખૂલેલા ફોર્મમાં ફરિયાદી પાસેથી બેંકનું નામ, ખાતા નંબર, પોતાનું નામ, તેમજ સૌથી સંવેદનશીલ વિગતો જેવી કે ડેબિટ કાર્ડનો સંપૂર્ણ નંબર, સીવીવી નંબર અને વેલિડિટી તારીખ પણ ભરાવીને સબમિટ કરાવી લીધી હતી. આ રીતે, ઠગે ફરિયાદી પાસેથી તેમની તમામ અગત્યની બેંકિંગ વિગતો ચાલાકીપૂર્વક મેળવી લીધી.
ફોર્મ સબમિટ થતાં જ ઠગે મોકલેલી લિંકનો ઉપયોગ કરીને ફરિયાદીના ફોનનો એક્સેસ મેળવીને તેને હેક કરી દીધો હતો.
વિગતો આપી દીધાના થોડા કલાકો બાદ જ અર્ચિશકુમાર ભટ્ટને સતત અલગ અલગૅ્ઁ આવવાના શરૂ થતાં તેમને શંકા ગઈ હતી. જોકે, વૃદ્ધ કંઈ સમજે તે પહેલા જ, બીજા દિવસે, તા. ૨૪ જૂન ૨૦૨૫ ના રોજ તેમની જાણ બહાર તેમના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા ૮,૨૭,૫૦૦/- ની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, જેનાથી તેમને મોટું નાણાકીય નુકસાન થયું.
