નવા ફોનમાં સંચાર સાથી એપ નહીં હોય-સરકારે પ્રી-ઇન્સ્ટોલેશન ઓર્ડર પાછો ખેંચ્યો
(એજન્સી)નવી દિલ્હી, સંચાર સાથી એપને લઈને શરૂ થયેલા રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ એપને ફોનમાં ફરજીયાત રાખવાના આદેશને પરત લઈ લીધો છે. સરકારે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે બધા નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી એપને પહેલાથી ઈન્સ્ટોલ કરવાનું ફરજીયાત કર્યું હતું, પરંતુ હવે આ આદેશને પરત લઈ લીધો છે.
એપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી એટલે તેને ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી ઓછા જાગૃત લોકો સુધી સુરક્ષા સરળતાથી પહોંચી શકે. છેલ્લા એક દિવસમાં ૬ લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવ્યું જે પહેલાના મુકાબલે ૧૦ ગણું વધુ છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું કે અત્યાર સુધી ૧.૪ કરોડ યુઝર આ એપને ડાઉનલોડ કરી ચૂક્્યા છે અને દરરોજ આશરે ૨૦૦૦ ફ્રોડની ઘટનાઓની જાણકારી મળી રહી છે. કોંગ્રેસે રાજ્યસભામાં સંચાર સાથી મોબાઈલ એપને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ દરેક વ્યક્તિના નિજતાના અધિકારનું હનન છે.
શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે એપની ઘણી વિશેષતાઓને લઈને આશંકા છે કે તેનાથી દરેક યુઝર્સના વાસ્તવિક સમયનું લોકેશન, સર્ચ હિસ્ટ્રી, નાણાકીય ટ્રાન્ઝેક્શન અને એસએમએસ અને વોટ્સએપ દ્વારા થનારી વાતચીત પર નજર રાખવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૨૮ નવેમ્બરના રોજ જારી કરાયેલા આદેશ મુજબ, તમામ મોબાઇલ ફોન ઉત્પાદકોને ભારતમાં વેચાતા નવા હેન્ડસેટ અને જૂના ઉપકરણો બંને પર સોફ્ટવેર અપડેટ દ્વારા સંચાર સાથી એપ્લિકેશન પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મોબાઇલ ફોન કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે પ્રી-ઇન્સ્ટોલ કરેલ સંચાર સાથી એપ્લિકેશન પ્રથમ ઉપયોગ અથવા ઉપકરણ સેટઅપ દરમિયાન વપરાશકર્તાઓ માટે સરળતાથી દૃશ્યમાન અને ઉપલબ્ધ હોય. સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે (૩ ડિસેમ્બર) જણાવ્યું હતું કે સંચાર સાથી એપ્લિકેશન દ્વારા જાસૂસી શક્્ય નથી અને શક્્ય બનશે નહીં.
સાયબર સુરક્ષા કારણોસર તમામ નવા મોબાઇલ ઉપકરણો પર એપ્લિકેશનને પ્રી-લોડ કરવાના સરકારના નિર્દેશને ઘેરાયેલા વિવાદ વચ્ચે તેમણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દેશની જનતાના હાથમાં અધિકાર આપવા ઈચ્છે છે જેથી તે ખુદને સુરક્ષિત રાખી શકે. તેમણે કહ્યું કે જનતાની પ્રતિક્રિયા પર મળેલી સફળતાના આધાર પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં જનતાના સૂચનોના આધાર પર સરકાર તેમાં પરિવર્તન માટે તૈયાર છે.
