શું રોહિંગ્યા ઘૂસણખોરોનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાય? સુપ્રીમ કોર્ટ
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દેશમાં રહેતાં રોહિંગ્યા મુસ્લિમોના કાનૂની દરજ્જા વિશે પ્રશ્ન ખડો કરતાં મંગળવારે વેધક સવાલ કર્યાે હતો કે જ્યારે આ દેશના લોકો જ ગરીબીમાં જીવી રહ્યા છે એવા સંજોગોમાં શું ઘૂસણખોરોનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરી શકાય ખરૂં?
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેંચે અહીંની પોલીસ કસ્ટડીમાંથી કેટલાંક રોહિંગ્યા મુસ્લિમો અદૃશ્ય થઇ ગયા હોવાનો આરોપ મૂકતી માનવ અધિકાર કાર્યકર રીટા માનચંદા દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કોર્પ્સ અરજીની સુનાવણી કરતાં આ મુજબનું અવલોકન વ્યક્ત કર્યું હતું.
બેંચે આ કેસની હવે પછીની સુનાવણી ૧૬ ડિસેમ્બરના રોજ નિર્ધારિત કરી છે.એડવોકેટ માનચંદાએ આરોપ મૂક્યો હતો કે ગત મે મહિનામાં દિલ્હી પોલીસે કેટલાંક રોહિંગ્યા મુસ્લિમોની ધરપકડ કરી હતી, અને ત્યારબાદ આજદિન સુધી તેઓની કોઇ ખબર નથી, તેઓને ક્યાં રાખવામાં આવ્યા છે તે અંગેની પણ કોઇની પાસે કોઇ માહિતી નથી.‘ભારતની ઉત્તરે આવેલી આપણી સરહદો ખુબ જ સંવેદનશીલ છે,
જો રોહિંગ્યા લોકોનો કોઇ કાનૂની દરજ્જો ના હોય, અને તેઓ ઘૂસણખોર છે, તો શું આપણે એમ કહીને તેઓનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવું જોઇએ? કે તમે આવો અમારા દેશમાં, અમે તમને તમામ સુવિધાઓ પૂરી પાડીશું’ એમ ચીફ જસ્ટિસે પૂછતાં ઉમેર્યું હતું કે ‘તેઓને તેમના દેશમાં પાછા ધકેલી દેવામાં સમસ્યા શું છે? ભારત એક એવો દેશ છે જ્યાં કરોડો લોકો ખુબ ગરીબ છે તેથી આપણે તેઓના કલ્યાણ બાબતે પ્રથમ ધ્યાન આપવું જોઇએ.
