Western Times News

Gujarati News

બાબા નિબ કરોરી મહારાજનો ૧૨૫મો પાટોત્સવ યોજાયો

અમદાવાદ, શ્રી સંકટમોચન મહાવીર હનુમાન નીબ કરોરી બાબા મંદિર રાંચરડા , અમદાવાદ ખાતે ભવ્ય આયોજન શ્રદ્ધા, સમર્પણ અને સેવાના ભાવ સાથે પૂર્ણ થયું. સમગ્ર કાર્યક્રમમાં અનેક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં ૩૦૦થી વધુ શાળાના બાળકો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા પાઠનું વાચન કરવામાં આવ્યું. મંદિર પ્રાંગણમાંથી નીકળેલા રામ રોટી સેવા રથ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આખો દિવસ ભોજન વિતરણ કરવામાં આવ્યું. સાંજે ૨૧ વખત હનુમાન ચાલીસા પાઠનું સંકીર્તન થયા બાદ ભક્તોએ રામ નામના ગાન દ્વારા ભક્તિભાવ ઉજાગર કર્યો.

જરૂરિયાતમંદોને કમ્બલ વિતરણ કરવામાં આવ્યાં અને સૌ ભક્તોએ પ્રેમથી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ બાબા નીબ કરોરી મહારાજના સ્મરણ અને તેમના ઉપદેશોથી પરિપૂર્ણ બન્યું હતું.

મંદિર ના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગે જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરી ની અસીમ કૃપા નો ભક્તો અનુભવ કરી શકે છે.”

ભક્તોએ બાબા નીબ કરોરી મહારાજના ચરિત્રોને યાદ કરી શ્રદ્ધા, સમર્પણ અને સેવા ભાવનો સંદેશ જીવંત કર્યો.મંદિર માં નિયમિત આવતા ભક્ત ભરતભાઈ જોશી , રાહુલ બારોટ , નિરવભાઈ પટેલ અને ઋષભભાઈ શાહ આ પવિત્ર સ્થળે નિયમિત સેવા આપે છે અને ઉત્સવમાં સક્રિય ભાગ લઈને સેવા અર્પણ કરી છે.દર રવિવારે સુંદરકાંડ પાઠ, કીર્તન અને આર્તીનું આયોજન થાય છે જે તમામ ભક્તો માટે ખુલ્લું છે.

અમદાવાદના શીલજ નજીક રાંચરડામાં 35 ફુટ ઊંચુ હનુમાન મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી તૈયાર કરાયેલા હનુમાન દાદાની 6 ફુટ લાંબી અને ચાર ફુટ પહોળી અને 1.5 ટન વજન ધરાવતી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયું છે. આ મંદિર ઉત્તરાખંડના પ્રસિદ્ધ નીમ કરોલી બાબાની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. રાજસ્થાનના 25થી વધુ કારીગરો દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.