ભાવનગર એન.એસ.યુ.આઈ. પ્રમુખની ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ધરપકડ
AI Image
ભાવનગર એન.એસ.યુ.આઈ. પ્રમુખ દ્વારા જે રીતે સાયબર ક્રિમિનલ્સને મદદ કરી સમાજના નિર્દોષ નાગરિકોના પૈસા લૂંટવાનું કારસ્તાન કરવામાં આવ્યું છે
ભાવનગર , ભાવનગરમાં એન.એસ.યુ.આઈ. (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) ના પ્રમુખ અસ્તાનાન ખાનની સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલા ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે.
સાયબર ઠગ ટોળકીને લોકોના બેંક ખાતાઓ પૂરા પાડવાના આરોપસર પોલીસ દ્વારા એન.એસ.યુ.આઈ. પ્રમુખની ધરપકડ કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત અમદાવાદમાં જોવા મળ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) એ આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને એન.એસ.યુ.આઈ. ની પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ABVP demonstrates in Ahmedabad after NSUI leader held in Cyber-Fraud scam
એબીવીપી આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડતા એબીવીપી અમદાવાદના મહામંત્રીએ જણાવ્યું હતું કે, એન.એસ.યુ.આઈ. ના પદાધિકારીઓ હવે વિદ્યાર્થી રાજકારણની આડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે.
તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘ભૂતકાળમાં એન.એસ.યુ.આઈ. એડમિશન કૌભાંડો, વિદ્યાર્થીઓ પર છેડતી અને બહેન-દીકરીઓ સાથે અઘટિત ઘટનાઓમાં અગ્રણી રહ્યું છે. પરંતુ ભાવનગર એન.એસ.યુ.આઈ. પ્રમુખ દ્વારા જે રીતે સાયબર ક્રિમિનલ્સને મદદ કરી સમાજના નિર્દોષ નાગરિકોના પૈસા લૂંટવાનું કારસ્તાન કરવામાં આવ્યું છે, તે સાબિત કરે છે કે તેઓ હવે સમાજ માટે પણ ખતરાસમાન બની રહ્યા છે.’
વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપી એ એક અત્યંત ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંગઠને એન.એસ.યુ.આઈ. ની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના ડેટાના સંભવિત દુરુપયોગ અંગે શંકા વ્યક્ત કરી છે.
એબીવીપી ના અગ્રણીએ માંગણી કરતા જણાવ્યું હતું કે ‘એન.એસ.યુ.આઈ. દ્વારા ચૂંટણી પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસેથી આઈડી પ્રૂફ અને બેંક એકાઉન્ટની વિગતો એકત્રિત કરવામાં આવે છે. અમને આશંકા છે કે આ ડેટાનો ઉપયોગ આવા આર્થિક ગુનાઓ કે ઠગાઈ માટે થઈ શકે છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે સ્પષ્ટ માંગ કરીએ છીએ કે એન.એસ.યુ.આઈ. ની ચૂંટણી પ્રક્રિયાની તટસ્થ તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓની બેંક ડિટેલ્સ લેવાની પ્રથા તાત્કાલિક બંધ કરાવવી જોઈએ.’
ભાવનગર પોલીસ દ્વારા આરોપી પ્રમુખની ધરપકડ બાદ હવે તપાસનો રેલો અન્ય કોના સુધી પહોંચે છે તે જોવું રહ્યું. બીજી તરફ ગુજરાતના વિદ્યાર્થી રાજકારણમાં આ ઘટનાને પગલે વાતાવરણ અત્યંત ગરમાયું છે.
