પાલનપુરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો વિકાસ પથ દબાણોનો અડ્ડો બન્યો
સ્થાનિક નગરપાલિકા અને સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે આ ફૂટપાથ આજે રેંકડી ધારકો અને પાથરણા વાળાઓનો અડ્ડો બન્યો છે
બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો પહેલા સરકાર દ્વારા શહેરના ગુરુનાનક ચોક થી એરોમાં સર્કલ સુધીના જાહેર માર્ગ પર રાહદારીઓ આસાનીથી ચાલી શકે અને કોઈ જાનહાની ન સર્જાય તેને લઈ “વિકાસ પથ” નામનો ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો.
રસ્તાની બંને બાજુએ બનેલા આ ફૂટપાથ પર રાહદારીઓ ચાલી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક નગરપાલિકા અને સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે આ ફૂટપાથ આજે રેંકડી ધારકો અને પાથરણા વાળાઓનો અડ્ડો બન્યો છે.
છેલ્લા કેટલાય સમયથી આ ફૂટપાથ પર રેંકડી ધારકોએ અડીંગો જમાવી દીધો છે અને તેને જ કારણે રાહદારીઓ માટે સરકારે લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ રાહદારીઓ જાહેર રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે.અને રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓના માથે મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
મહત્વની વાત છે કે સરકારનો આશય સારો હતો કે રાહદારીઓ સુવિધાજનક ફૂટપાથ પરથી ચાલી શકે પરંતુ તંત્રની ઘોર બેદરકારીએ સરકારના આ લાખો રૂપિયાનો ધુમાડો કરી દીધો છે. ગુરુનાનક ચોક થી એરોમાં સર્કલ સુધી ૫૦૦ થી વધુ રેકડી ધારકોએ આ ફૂટપાથ ઉપર જમાવડો જમાવી દીધો છે.જોકે સ્થાનિકોના આક્ષેપ છે કે આ માત્ર રેકડી ધારોકોએ અડ્ડો નથી જમાવ્યો પરંતુ કેટલાક તત્વો આ રેકડી ધારકો પાસેથી ભાડું પણ વસુલે છે.
તો બીજી તરફ સ્થાનિકોની માંગ છે કે શહેરમાં અનેક એવી ખાલી જગ્યાઓ પડી છે કે જેની અંદર આ રેકડી ધારકોનો સમાવેશ કરી શકાય પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે શહેરમાં પડેલી ખાલી જગ્યામાં આ રેકડી ધારકોને ખસેડી ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.
