Western Times News

Gujarati News

ચીનમાં ૩૨ વર્ષ પછી પ્રથમવાર ગર્ભનિરોધકોની કિંમતોમાં વધારો થશે

બેઇજિંગ, ભારત વર્તમાનમાં દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. હમણાં સુધી આ સ્થાન ચીન પાસે હતું. પરંતુ હવે વસ્તીની સંખ્યાના મામલામાં ચીન દ્વિતીય સ્થાન પર છે. ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયો શોધવામાં આવી રહ્યા છે, જ્યારે ચીનમાં તેનાથી બિલકુલ ઉલટું છે. ચીનની સરકાર લોકોને વધુને વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, પરંતુ સ્થાનિક લોકો આ માટે તૈયાર નથી.

જોકે, ચીનની સરકારે ઈ.સ.૧૯૯૩ પછી એટલે ૩૨ વર્ષ પછી પ્રથમવાર કોન્ડોમ સહિતના ગર્ભનિરોધકો પર ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યાે છે, જેના કારણે ગર્ભનિરોધકોની કિંમતોમાં વધારો થશે.

મીડિયા અહેવાલ અનુસાર, ૩૨ વર્ષ પછી એક મોટા નીતિગત નિર્ણય અનુસાર ચીનમાં જાન્યુઆરી ૨૦૨૬થી કોન્ડોમ સહિત તમામ ગર્ભનિરોધક ઉત્પાદનો પર ૧૩ ટકા વેટ લગાવવામાં આવશે. ૧૯૯૩થી આ ઉત્પાદનો ટેક્સ-ફ્રી હતા.

કારણ કે એ સમયે(૧૯૮૦-૨૦૧૫) ચુસ્તપણે એક સંતાનની નીતિ અંતર્ગત વસ્તી નિયંત્રણની નીતિ અમલમાં હતી. હવે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે, એટલા માટે સરકાર જન્મદર વધારવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.જન્મદર વધારવા માટે પહેલાથી સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવી ચૂક્યા છે, જેમ કે કેટલાક પ્રાંતોમાં નવજાત શિશુના જન્મ પર રોકડ ઈનામ અને માતા-પિતાને લાંબી રજા આપવાની યોજના પણ અમલમાં છે.

સરકારે ‘મેડિકલી બિનજરુરી’ ગર્ભપાતને ઓછા કરવા માટે પણ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ નવા ટેક્સનો નિર્ણય, ૨૦૨૪માં ચીનની વસ્તીમાં સતત ત્રીજા વર્ષે આવેલા ઘટાડા પછી લેવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં જાહેર કરાયેલા નેશનલ સ્ટેટિસ્ટિકલ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૪માં ચીનમાં કુલ વસ્તી ૧૪૦.૮ કરોડ હતી, જે ૨૦૨૩માં ૧૪૦.૯ કરોડ હતી. આમ, એક વર્ષમાં ૧.૩૯ મિલિયનનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪માં ચીનમાં ફક્ત ૯૫.૪ લાખ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે એક દાયકા પહેલા જ્યારે એક બાળકની નીતિ ખતમ થઈ હતી, ત્યારે આ આંકડો ૧.૮૮ કરોડનો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.