Western Times News

Gujarati News

મેડિકલ સ્ટોર્સ પરના ક્યુઆર કોડથી હવે દવા અંગે ફરિયાદ કરી શકાશે

નવી દિલ્હી, દેશભરમાં હવે દવાઓની તમામ દુકાનોમાં ક્યુઆર કોડ અને ટોલ ફ્રી નંબર દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આનાથી લોકો દવાઓની આડ અસરોની તાત્કાલિક સીધી ફરિયાદ કરી શકશે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાને રિટેલ અને હોલસેલ દવાની દુકાનમાં ક્વિક રિસ્પોન્સ કોડ અને ટોલ-ફ્રી નંબર પ્રદર્શિત કરવામાં આવે તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે આ પગલાથી સ્વદેશી પીવીપીઆઈ એડવર્સ ડ્રગ રિએક્શન મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જાહેર જનતા અને હેલ્થકેર પ્રોફેશનલ્સ દવાની આડ અસરો કે બીજી કોઇ આડ ઘટનાની સરળતાથી જાણકારી આપી શકશે. આનાથી કોઇપણ વ્યક્તિ દવાની આડઅસરો વિશે અધિકારીઓને સીધી માહિતી આપી શકશે. આ અધિકારીઓ તેની તપાસ પણ કરશે.

૧૮ જૂને યોજાયેલી ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયાની ૧૬મી વર્કિગ ગ્રૂપ બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓને જારી કરાયેલા પરિપત્રમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે તમામ રાજ્ય ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓ દેશભરના દરેક રિટેલ અને હોલસેલ ફાર્મસી સ્ટોરમાં એક અગ્રણી સ્થાન પર નિયુક્ત ક્યુઆર કોડ પ્રદર્શિત કરે તેની ખાતરી કરશે.

આ ઉપરાંત દરેક મેડિકલ સ્ટોર ક્યુઆર કોડની સાથે ૧૮૦૦-૧૮૦-૩૦૨૪ ટોલ ળી નંબર પણ સ્પષ્ટપણે દર્શાવવો પડશે.પરિપત્રમાં જણાવ્યા મુજબ આ આદેશના પાલન માટે તાત્કાલિક પગલાં લેવાના રહેશે. લાઇસન્સ ધરાવતા તમામ મેડિકલ સ્ટોર્સને પણ અંગેની માહિતી આપવાની રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.