Western Times News

Gujarati News

રાજ્યમાં ૨૧ પ્રજાતિઓના વન્યજીવોની વસતિ ૯.૫૩ લાખથી વધુ નોંધાઈ

અમદાવાદ, વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસતિ નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે.દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે.

આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે. ત્યારે દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઇ છે જે રાજ્યની જીવ સંરક્ષણ વારસાની સમૃદ્ધિમાં વધારો કરે છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે.

જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧, વર્ષ ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વર્ષ ૨૦૨૫માં વધીને ૮૯૧ થઈ છે.વસ્તી અંદાજ- ગણતરી ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર ૨.૮૫ લાખથી વધુ, નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા ૦૨ લાખથી વધુ જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૨,૧૪૩ ગીધ, ૧,૪૮૪ વણીયર, ૧,૦૦૦થી વધુ ચોશીંગા વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ ૯.૫૩ લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે.

વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસતિ નોંધાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.