જામીન માટે હાઈકોર્ટમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરનારા બે આરોપીને ૩-૩ વર્ષની કેદ
અમદાવાદી, જામીન માટે હાઇકોર્ટમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર બે આરોપીને ગ્રામ્ય કોર્ટના જજ જે. એ. બક્ષીએ ૩-૩ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે જે નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપીઓએ ન્યાય માગવા માટે ખોટા પુરાવા રજૂ કર્યા છે, ગુનો હળવાશથી લઇ શકાય નહીં.
નોંધનીય છે કે, આ કેસમાં આરોપી વિજયની પત્ની વીણા પણ સહઆરોપી છે, પરંતુ હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઠગાઈ સહિતની કલમ હેઠળ ગુનામાં આરોપી વિજય હરિભાઈ ટાંક ૨૦૨૨માં જેલમાં હતો ત્યારે તેના પત્ની વીણાબહેન ગુજરાત હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી.
જેમાં હાઇકોર્ટે વિજયને ૧૫ ફેબ્›આરી ૨૦૨૨ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કર્યાે હતો અને તેને ૨૧ ફેબ્›આરીના રોજ જેલમાં ફરી પરત હાજર થવાનું હતું. આ દરમિયાન આરોપીએ તેની પત્ની વીણાબહેને કોરોના પોઝિટિવ હોવાનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જોકે, હાઇકોર્ટે તપાસ કરાવતા આ સર્ટિફિકેટ બોગસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ મામલે માર્ચ ૨૦૨૨માં સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
તપાસમાં આ સર્ટિફિકેટ પ્રશાંત મહેન્દ્રભાઇ કાલાણીએ કાઢ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ કરી વિજય અને પ્રશાંત સામે ચાર્જશીટ કરી હતી. જ્યારે તેની પત્ની વીણાને ફરાર દર્શાવવામાં આવી હતી.
આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ મહેન્દ્ર પી. ભરવાડે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપીએ મોબાઈલ દ્વારા બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું, ત્યારબાદ મોબાઇલનો પુરાવાનો નાશ કર્યાે હતો, આરોપીઓએ કાવતરું રચ્યું હોવાના પુરાવા છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે.
આવા કિસ્સા અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે અને સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે બન્ને આરોપીને ૩-૩ વર્ષ કેદની સજા ફટકારી છે.SS1MS
