Western Times News

Gujarati News

તથ્યને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવા હાઈકોર્ટનો ઇનકાર

અમદાવાદ, ઇસ્કોન બ્રિજ પર ભારોભાર બેદરકારી દાખવી ગોઝારો અકસ્માત સર્જીને ૯ લોકોના ભોગ લેનારા તથ્ય પટેલને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઇકોર્ટે ઇનકાર કરતાં તેને મોટો ઝાટકો લાગ્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે ચુકાદામાં એવું તારણ રજૂ કર્યું છે કે,‘આરોપી તથ્ય વિરુદ્ધ બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગનો આ કોઇ સાદો કેસ નથી પરંતુ પ્રથમદર્શી એવો અત્યંત મજબૂત કેસ છે જેમાં સાપરાધ મનુષ્ય વધની કલમ ૩૦૪નો કેસ બને બને છે. તેથી એની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં.’ નોંધનીય છે કે આ કલમ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની કાનૂની જોગવાઇ છે.

તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આઈપીસીની કલમ ૩૦૪ અને ૩૦૮માંથી ડિસ્ચાર્જ કરવાની માંગ કરી હતી. તેના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ કેસમાંથી ડિસ્ચાર્જની માંગ કરી હતી. આ બંને અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રદ કરતાં વર્ષ ૨૦૨૩ના અંતમાં તેમણે હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.

તથ્યની ડિસ્ચાર્જ અરજી ઉપર હાઇકોર્ટે ચુકાદો આપતાં આઈપીસી ૩૦૪ અને ૩૦૮ કલમો દૂર કરવા હાઇકોર્ટે ઇનકાર કર્યાે છે.તથ્ય તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટની દલીલ હતી કે તથ્ય પર લગાવવામાં આવેલી આઈપીસીની કલમો પૈકી કલમ ૩૦૪ અને ૩૦૮ મુજબ કોઇ કેસ બનતો નથી. તેની ઉપર કલમ ૩૦૪એ લાગી શકે, જ્યારે અન્ય કલમો બેદરકારીને લઈને લાગેલી છે.

જ્યારે તથ્યના પિતા ઉપર તો ફક્ત આઈપીસીની કલમ ૫૦૪ જ લાગે. આ તરફ ચાર્જશીટ મુજબ અકસ્માતનો સમય ૨૦ જુલાઈ રાત્રી ૧૨.૩૦ કલાકથી ૦૧.૧૦ કલાકની વચ્ચે હતો. તથ્યની ગાડીમાં કાળી ફિલ્મ લાગેલી હતી. તથ્યની સાથે ગાડીમાં તેના મિત્રો શ્રેયા, આર્યન, ધ્વનિ, શાન અને માલવિકા બેઠા હતા. ધ્વનિ આગળની બાજુ તથ્યની બાજુમાં બેઠી હતી. તથ્યની ગાડીમાં ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હતા.

તે પુરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવતો હતો. પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મુકાય તે પ્રમાણે તે ગાડી ચલાવતો હતો. જેની ઝડપ ૧૪૦ કિલોમીટર પ્રતિકલાક જેટલી હતી. પૂર ઝડપે ઇસ્કોન બ્રિજ ઉપર ટોળાને ગાડી અથડાતાં લોકો ૧૨૦ ફૂટ જેટલા ઘસડાયા હતા, જેમાં નવ લોકોના મોત થયાં હતાં. તથ્યના વકીલની દલીલ હતી કે તથ્યનો અકસ્માત કરવાનો કોઈ હેતુ નહોતો.

ઇસ્કોન બ્રિજ ઉપર થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે, તેમજ ત્યાં લોકો અને પોલીસ છે જેની તેને જાણ નહોતી. જ્યારે કલમ ૩૦૪ મુજબ હેતુ અથવા જ્ઞાન હોવું જરૂરી છે. ટ્રાયલ કોર્ટે ડિસ્ચાર્જ અરજી તો ફગાવી દીધી હતી, પરંતુ તેની પાછળનું કોઈ કારણ અપાયું નથી. ટ્રાયલ કોર્ટનો ચુકાદો કાયદાની દ્રષ્ટિએ પણ ટકે તેમ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.