પાલડીમાં વધુ એક દેરાસરને તસ્કરોએ નિશાન બનાવીને દાનપેટીની ચોરી કરી
અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગંભીર પ્રકારનો બનાવોમાં વધારો થયો છે. તેમાંય દેરાસરમાં ચોરી થયાની ઉપરા છાપરી બીજી ઘટના બનતા પોલીસની કામગીરી સામે સવાલો ખડા થયા છે.
તાજેતરમાં શાંતિવનમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં દેરાસરના જ પૂજારીએ સફાઇ કર્મીની મદદગારીથી દેરાસરના પૂજારૂમમાંથી અને લોકરવાળા ભોંયરામાંથી ચાંદીના પુંઠીયા, ચાંદીના મુગુટ, કુંડળ અને આંગી મળીને કુલ ૧૧૭ કિલો ચાંદી સહિત ૧.૬૪ કરોડની મતા ચોરી થઇ હતી. ત્યાં ગણતરીના દિવસોમાં તસ્કરોએ વધુ એક જૈન દેરાસરને નિશાન બનાવ્યું છે.
પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાંથી દાનપેટીની ચોરી થતાં પાલડી પોલીસે તપાસ હાથ ધરી છે. પાલડીમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં રહેતા સુમિતીલાલ જૈન પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા શ્રી ૧૦૦૮ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાં ત્રણ વર્ષથી અધ્યક્ષ છે.
જૈન મંદિરમાં રાખેલી જીવદયાની દાન પેટી દર ત્રણ માસે ખોલીને તેમાંથી નીકળતી રકમ ગૌશાળામાં દાન કરવામાં આવે છે. પરંતુ ગત તા. ૨ ડિસેમ્બરના રોજ સવારે ૬.૩૦ વાગ્યે દેરાસરના પૂજારી મનીષભાઇ ઔદિચ્યએ દેરાસરના અધ્યક્ષ સુમિતીલાલને ફોન કરીને દેરાસરના ઉપરના માળે આવેલા મંદિરના દરવાજાનું તાળું તૂટ્યું હોવા અંગે જાણ કરી હતી. જેથી સુમિતીલાલ તેમની કમિટીના સભ્યો સાથે દેરાસર પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરી તો મુખ્ય દરવાજાનું લોક તૂટેલી હાલતમાં હતું.
મંદિરમાં રાખેલી જીવદયાની દાનપેટી ચોરી થયેલી હતી. દાનપેટીમાં દિવાળી અને પર્યુષણ માસ વખતની આશરે ૭૦થી ૮૦ હજારની રકમ હતી. અધ્યક્ષ સુમિતીલાલે પૂજારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે આગલા દિવસે બપોરે તે દેરાસરને લોક મારીને નીકળી ગયા હતા. બીજા દિવસે સવારે દેરાસરમાં અન્ય દર્શનાર્થીઓ સાથે આવ્યા ત્યારે તાળું તુટેલું હતું. જેથી આ મામલે પોલીસને જાણ કરાતા પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS
