અન્યના જીવનમાં ઘુસીને ઝાંકવાના મીડિયા કલ્ચરને જ્હાન્વીએ વખોડ્યું
મુંબઈ, છેલ્લાં થોડા સમયથી જયા બચ્ચને પાપરાઝી મીડિયાની ટીકા કરી તેના વીડિયો વાયરલ થયા છે, ત્યારે હવે જાહન્વી કપૂરે પણ આ પાપરાઝીને વોયેરીસ્ટિક પ્રકારનું મીડિયા કલ્ચર ગણાવ્યું છે, જ્યાં મૃત્યુને પણ અમાનવીય ગણવામાં આવે છે. તેણે કહ્યું કે પોતાની માતાનાં મૃત્યુ વખતે અને તાજેતરમાં ધર્મેન્દ્રના નિધન વખતે તેણે આ પ્રકારના માહોલનો અનુભવ કર્યાે છે.
જાહન્વી રવિવારે મુંબઇમાં એક કાર્યક્રમમાં હાજર રહી હતી, જ્યાં તેણે જણાવ્યું કે, “માનવીય મુલ્યોને આડા પાટે લઇ જવામાં સોશિયલ મીડિયાએ એકલા હાથે ખુબ મોટું પ્રદાન કર્યું છે.”જાહન્વીએ જણાવ્યું, “પત્રકારત્વની અન્યની જિંદગીમાં તાંકઝાંક કરવાની રીત, આજનું સોશિયલ મીડિયા આધારીત મડિયા કલ્ચર, માનવ મુલ્યોને આડે પાટે લઇ જવા માટે એકલા હાથે જવાબદાર છે.
હું તેને દરરોજ વધુને વધુ જોઈ રહી છું. મારી માને મેં ગુમાવી ત્યારે એ બહુ ખરાબ હતું. મને ખબર નથી, તમે લોકો કલ્પના પણ કરી શકો છો કે નહીં, કે તમારું કોઈ સૌથી અંગત મૃત્યુ પામ્યું હોય અને તમારે એનાં મીમ્સ બનતાં જોવા પડે. મને એ પણ નથી સમજાતું આ વાત કઈ રીતે વર્ણવું કે સમજાવું, પરંતુ આ સ્થિતિ આજે સૌથી ખરાબ થઈ રહી છે.
એ સમયે જે તબક્કા અને જે લાગણીઓમાંથી હું પસાર થઈ છું, એ એવું છે કે હું ક્યારેય તેને શબ્દમાં નહીં મુકી શકું. મને લાગે છે, હું કદાચ તમને બધું જ કહીશ તો પણ મને ખબર નથી તમે એ વાત જરા પણ સમજી શકશો કે નહીં. મને હંમેશા પાછળથી એવું લાગે છે કે જાણે તમને બધાને ખરાબ લગાડવા માટે હું આ બધી વાતો કરું છું.”
જાહન્વીએ એવું પણ કહ્યું કે, “હું આ વાતો કરવાની થોડી ટાળું છું કારણ કે મને ખબર છે, બધા થોડાં અંશે તકવાદી હોય છે અને બધેન બસ હેડલાઇન્સ જોઈએ છે. અને એ વાતથી નફરત છે કે હું ક્યારેય આ પ્રકારની વાતો, કે મારી મા સાથેના મારે સંબંધને કોઈ હેડલાઇન માટે ચાલે એવી રીતે કહું, તેથી હું મારી જાતને હંમેશા રોકી રાખું છું.”SS1MS
