કોરોના: જાપાનના જહાજમાં ૧૬૦ ભારતીયો ફસાયા
ટોકિયો, ચીનમાં કોરોના વાઇરસ વકરી ગયો છે જેણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે. જાપાનમાં આ વાઇરસની અસર ૧૦૩ લોકોને થઇ છે. જેમાં ૬૫ કેસો પોઝિટિવ હોવાનું પુરવાર થયું છે. જોકે હાલ એવા અહેવાલો સામે આવ્યા છે કે જાપાનના એક જહાજમાં સવાર પૈકી ૧૩૭ લોકોને પણ કોરોના વાઇરસની અસર છે, આ જહાજમાં ૧૬૦ ભારતીયો પણ ફસાયા છે જેણે મદદની ગુહાર લગાવી છે. આ જહાજમાં સવાર એક ભારતીય વિનય કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રની મોદી સરકારને અપીલ કરી હતી કે તેઓ કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકો સવાર છે તે જહાજમાં ફસાયેલા ૧૬૦ ભારતીયોને બહાર કાઢવામાં કે રેસ્ક્યૂ કરવામાં મદદ કરે.
તેણે મીડિયાને પણ જણાવ્યું હતું કે કોરોના વાઇરસને કારણે જહાજમાં સવાર લોકો ખુબ જ પરેશાન અને ચિંતામાં મુકાયા છે અને જો સમયસર રેસ્ક્યૂ ન કરવામાં આવ્યા તો આ વાયરસ વધુ લોકોમાં ફેલાઇ શકે છે. જે જહાજમાં કોરોના વાઇરસનો લોકો ભોગ બન્યા છે તેમાં ૩૬૦૦ લોકો સવાર હતા, આ એક પ્રકારની ક્રૂઝ શિપ છે જેનો ઉપયોગ લોકો પ્રવાસ કે પર્યટન આૃથવા પરિવહન માટે કરતા હોય છે. આ જહાજ ૨૦મી જાન્યુઆરીએ આ જહાજ જાપાનના યોકોહામાથી ઉપડયું હતું, જે દરમિયાન ૨૫મી જાન્યુઆરીએ હોંગકોંગમાં એક પ્રવાસી ઉતર્યો હતો, જેની તપાસ કરતા સામે આવ્યું હતું કે તેને કોરોના વાઇરસ લાગી ગયો છે અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.