ગાંધીનગરમાં નદીમાંથી રેતી ચોરીનું વકરતું કૌભાંડ
પ્રતિકાત્મક
જિલ્લા ભૂસ્તર તંત્રએ બે દિવસના દરોડામાં રૂ.ર.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ વધુ ૮ ડમ્પર ઝડપાયા
ગાંધીનગર, ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરીનું કૌભાંડ સતત વકરી રહ્યું છે. તો બીજી તરફ કલેકટરના આદેશના પગલે જિલ્લા ભૂસ્તર તંત્ર પણ સતત દરોડા અને માર્ગો પર વોચ ગોઠવી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે.
તંત્રએ છેલ્લા બે દિવસમાં વધુ ૮ ડમ્પર ઝડપી લઈ રૂપિયા ર.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વાહનોના માલિકો પાસેથી દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચનાના આધારે જિલ્લા ખનીજ ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જિલ્લામાં બિન-અધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા તત્વો વિરુદ્ધ સતત રોડ ચેકિંગ સાથે નદીના પટમાં દરોડા પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તેના ભાગરૂપે મંગળવારે દહેગામમાંથી રોયલ્ટી પાસ વગરના બે ડમ્પર અને ગાંધીનગર તાલુકાના લીમ્બડીયા ગામેથી રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ખનીજ ભરી લઈ જતું એક ડમ્પર સહિત ૩ ડમ્પર ઝડપી પાડયા હતા અને આશરે રૂપિયા ૧.૦પ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વાહનના માલિકો ચેતનકુમાર પ્રજાપતિ અને રમેશભાઈ વણઝારા તેમજ અંકિતભાઈ પટેલ સામે કાર્યવાહી હાથ ધરી છે.
તે પછી બુધવારે ખાત્રજ ચોકડી, તેરસા ચોકડી, કલોલ, વાવોલ, દહેગામની હદ વિસ્તારમાં તપાસ હાથ ધરી બ્લેકટ્રેપ અને સાદી રેતી ખનીજ બિનઅધિકૃત રીતે ભરી વહન કરતા પાંચ ડમ્પર પકડી પાડી આશરે રૂ.૧.૬પ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ખનીજ ચોરીમાં તંત્રએ ડમ્પરના માલિકો અપાભાઈ આલ, અશ્વિનભાઈ પટેલ, ચેતનકુમાર પ્રજાપતિ અને જયભાઈ આલ સામે દંડ વસૂલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા અઠવાડિયામાં ખાત્રજ ચોકડી, તેરસા ચોકડી, કલોલ, દહેગામ તથા ગાંધીનગર વગેરે વિસ્તારમાં ખાસ ઝુંબેશ હાથ ધરી ખનીજોનું વાહનોના માલિકો પાસેથી રૂ.૮.૪૦ લાખની દંડકીય રકમની વસૂલાત કરી છે.
