અફઘાનિસ્તાનમાં પરિવારના હત્યારાને ૧૩ વર્ષના કિશોરે જાહેરમાં મોતની સજા આપી બદલો લીધો!
કાબુલ, અફઘાનિસ્તાનમાં જાહેરમાં મૃત્યુદંડ આપવાની ઘટના વધતી જાય છે. ૨૦૨૧માં તાલિબાનનું શાસન આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૧૧ ગુનેગારોને જાહેરમાં મૃત્યુદંડ અપાઈ ચૂક્યો છે. અફઘાનિસ્તાન શરિયત કાયદા પ્રમાણે આ પ્રકારે સજા આપે છે. તેની સામે સંયુક્ત રાષ્ટ્રસંઘે જાહેરમાં સજા આપવાનું બંધ કરવાની માગણી પણ કરી છે.
આવી સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનમાં વધુ એક ગુનેગારને ૮૦ હજાર લોકોની હાજરીમાં મૃત્યુદંડ અપાયો હતો.અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં મંગાલા ખાન નામના ગુનેગારે એક પરિવારના ૧૩ સભ્યોની હત્યા કરી હતી. એનો કેસ અફઘાનિસ્તાનની કોર્ટમાં ચાલ્યો હતો.
નીચલી કોર્ટે ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારી હતી. એ પછી ઉપલી કોર્ટમાંથી પણ મોતની સજા ફટકારવામાં આવી હતી. છેલ્લે અફઘાનિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી.
સુપ્રીમ કોર્ટે જાહેરમાં મૃત્યુદંડ આપવાની સજા સંભળાવી હતી.ત્યારબાદ તાલિબાન સરકારના વડા હિબતુલ્લાહ અખુંડજાદાએ સુપ્રીમની સજાને મંજૂરી આપી તે પછી તાલિબાન સરકારના સ્થાનિક અધિકારીઓએ લોકોને જાહેરમાં મૃત્યુદંડ અપાઈ રહ્યો હોય તે જોવા આવવા માટે જણાવ્યું હતું.
આખરે એક સ્પોટ્ર્સ સ્ટેડિયમમાં મૃત્યુદંડની સજાનો અમલ ગોઠવાયો હતો. તાલિબાની અધિકારીઓએ ગુનેગારને બાંધી રાખ્યો હતો અને ગુનેગારે જે પરિવારની હત્યા કરી હતી તેના બચી ગયેલા ૧૩ વર્ષના કિશોરને પૂછ્યું હતું, તારે ગુનેગારને માફ કરવો છે કે સજા આપવી છે? જવાબમાં કિશોરે કહ્યું હતું કે બદલો લેવો છે.
એ પછી તાલિબાની અધિકારીઓએ ૧૩ વર્ષના કિશોરના હાથમાં બંદૂક થમાવી હતી. કિશોરે ૮૦ હજારની મેદની સામે ગુનેગારની છાતીમાં ગોળી મારી હતી. એ સાથે જ ટોળાએ ચિચિયારીઓ પાડી હતી. આ ઘટનાનો વીડિયો પણ ફરતો થયો છે. એમાં અનેક લોકો એકઠા થયેલા દેખાય છે.SS1MS
