યુક્રેન યુદ્ધનો અંત લાવવા શાંતિની અમેરિકાની કેટલીક દરખાસ્ત અસ્વીકાર્ય: પુતિન
મોસ્કો, ભારત આવેલા રશિયાના પ્રમુખ પુતિને જણાવ્યું હતું કે યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના પ્લાનની કેટલીક દરખાસ્ત તેમના માટે અસ્વીકાર્ય છે. આ બતાવે છે કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શાંતિ હજી જોજનો દૂર છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો અંત લાવવા માટે પૂરજોરથી તેમની રાજકીય તાકાત લગાવી રહ્યા છે અને બધા વિકલ્પો પર કામ કરી રહ્યા છે.રશિયાએ લગભગ ચાર વર્ષ પહેલા યુક્રેન યુદ્ધ શરૂ કર્યુ તેનો અંત લાવવા માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેમની પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે.
ગાઝામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અટકાવ્યા પછી હવે તેમનું બધું ધ્યાન રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા પર છે. ટ્રમ્પ સમજી ગયા છે કે ચૂંટણીના વચનો આપવા જુદી વાત છે અને તેને સફળ બનાવવા પર કામ કરવું જુદી વાત છે. તેથી તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે.
ટ્રમ્પના ખાસ રાજદૂત સ્ટીવ વિટકોફની સાથે તેમના જમાઈ જેરેડ કુશનર યુક્રેનના અગ્રણી વાટાઘાટાકાર રુસ્તમ ઉમેરોવ સાથે વધુ મંત્રણા કરવા ગુરુવારે મોડેથી માયામી ખાતે મળવાના છે, એમ ટ્રમ્પ વહીવટીતંત્રના અગ્રણી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
પુતિને જણાવ્યું હતું કે ક્રેમલિનમાં તેમની સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે પાંચ કલાક સુધી કરેલી મંત્રણા અત્યંત ઉપયોગી અને જરૂરી પણ હતી, પરંતુ તેના પર કામ કરવું મુશ્કેલ હતુ. કેટલીક દરખાસ્તો અસ્વીકાર્ય હતી. પુતિનને ટાંકીને રશિયન સમાચાર સંસ્થાએ જણાવ્યું હતું કે આ મત્રણામાં યુએસ પીસ પ્લાનના દરેક મુદ્દાને તલસ્પર્શી ધોરણે ચકાસવામાં આવ્યો હતો. તેથી જ તે ખૂબ લાંબી ચાલી હતી.
આ અત્યંત મજબૂત વાર્તાલાપમાં એક વાર્તાલાપ હતો. મોસ્કો તેમા ઘણી બધી બાબત પર ચર્ચા કરવા તૈયાર થયું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર એક મેરેથોન મંત્રણામાંથી બહાર આવ્યા છે, જે અમે યુદ્ધનો અંત લાવવા માટે મૂકી છે. અમારા પર આ મંત્રણાની તેવી છાપ પડી છે કે રશિયા એક મજબૂત ડીલ ઇચ્છે છે. પુતિને રશિયાએ સ્વીકારેલી કે રદ કરેલી દરખાસ્ત અંગે કશું પણ જણાવવા ઇન્કાર કર્યાે હતો.
અમેરિકા સીધુ મોસ્કો અને કીવ સાથે મંત્રણામાં જોડાતા હાલમાં તો યુરોપીયન લીડર સાઇડલાઇન થઈ ગયા છે. આ ઉપરાંત રશિયાએ ગુરુવારે કીવ સહિતના શહેરો પર કરેલા હુમલામાં છના મોત થયા હતા. રશિયાએ ૧૩૮ ડ્રોન અને બે બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યાે હતો. આ દરમિયાન રશિયન અંકુશવાળા ખેરસન પ્રાંતમાં યુક્રેનના ડ્રોન હુમલામાં બેના મોત થયા હતા.SS1MS
