માર્ગ અકસ્માત પીડિતોની કેશલેસ સારવારની ૨૦% અરજીઓ રિજેક્ટ
નવી દિલ્હી, માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર આપવા માટે સરકારે માર્ચ ૨૦૨૪માં એક સ્કીમ ચાલુ કરી છે. જોકે અત્યાર સુધી અકસ્માત પીડિતોની આશરે ૨૦ ટકા કેશલેસ સારવારની રિકવેસ્ટને પોલીસે નકારી કાઢી છે.લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મોટર વ્હિકલ એક્સિડન્ટ ફંડ હેઠળ આશરે ૭૩.૮૮ લાખનું ભંડોળ છૂટું કરવામાં આવ્યું છે.
કેશલેસ સારવાર માટે કુલ ૬,૮૩૩ અરજીઓ થઈ હતી. આમાંથી ૫,૪૮૦ પીડિતોને લાયક ગણવામાં આવ્યાં હતાં. બાકીઓની અરજીઓને પોલીસે નકારી કાઢી હતી.રોડ અકસ્માત પીડિતોની કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ ૨૦૨૫ હેઠળ પીડિતો અકસ્માતની તારીખથી મહત્તમ ૭ દિવસના સમયગાળા માટે પ્રત્યેક અકસ્માત પીડિત દીઠ રૂ.૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર માટે હકદાર છે.
આ સ્કીમ હેઠળ કોઇપણ પ્રકારના મોટર વાહનના ઉપયોગને કારણે થતાં તમામ માર્ગ અકસ્માતને આવરી લેવાયા છે. ગડકરીએ જણાવ્યું હતું કે હોસ્પિટલોએ ૨,૬૪૪ દાવા કર્યા હતાં અને સંબંધિત રાજ્ય હેલ્થ એજન્સીએ મંજૂરી આપી હતી અને રૂ.૭૩.૮૮ લાખ હોસ્પિટલોને ચુકવાયા હતાં.હોસ્પિટલોને મોટર વ્હિકલ ફંડ મારફત દાવાની રકમ ચુકવામાં આવે છે. અકસ્માત પીડિતોની કેશલેસ સારવાર માટે નેશનલ હેલ્થ ઓથોરિટી હેઠળ ૩૨,૫૫૭ હોસ્પિટલોને સામેલ કરાઈ છે.
મંત્રાલયે ૧૪ માર્ચ ૨૦૨૪ના રોજ ચંદીગઢમાં પ્રાયોગિક ધોરણે આ સ્કીમ ચાલુ કરી હતી અને પછી તેને છ રાજ્યોમાં વિસ્તારવામાં આવી હતી. સરકાર આ સ્કીમ હેઠળ સમગ્ર દેશને આવરી લેવાની યોજના ધરાવે છે. આ સ્કીમનો હેતુ સમયસર તબીબી સારવારને કારણે થતા મોતની સંખ્યામાં ઘટાડો કરવાનો છે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ડેશબોર્ડ મુજબ ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.૫૯,૭૬૧.૨૬ કરોડના ૩૯.૪૯ કરોડ ચલણ જારી કરાયા હતાં. આમાંથી ૧૪.૯૭ કરોડ ચલણોનો નિકાલ કરાયો હતો અને તેનાથી સરકારને રૂ.૨૧,૬૮૪.૧૭ કરોડની આવક થઈ હતી.SS1MS
