પ્રાંતિજના દલપુર પાસે ફાયનાન્સ પેઢીના એજન્ટ પાસેથી ૮ લાખની લૂંટ
હિંમતનગર, પ્રાંતિજથી બુધવારે રાત્રે ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ ઉઘરાણી લઈને બાઈક પર હિંમતનગર તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન દલપુર નજીક બે અજાણ્યા બાઇકસવારોએ ફાઇનાન્સ પેઢીના એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી માર મારી તેની પાસેથી અંદાજે રૂ. ૮ લાખથી વધુની રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.
પોલીસની ટીમને જાણ થતાં પ્રાંતિજ પોલીસ તથા એફએસએલની ટીમે સ્થળ નિરીક્ષણ કરી અજાણ્યા બાઈક સવારો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે સાંજે પ્રાંતિજથી હિંમતનગર તરફ દિવસ દરમિયાન થયેલી ઉઘરાણીની રકમ લઈ ખાનગી ફાયનાન્સ પેઢીનો એજન્ટ ધર્મેન્દ્ર સુતરીયા બાઈક પર હિંમતનગર તરફ આવી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી ધર્મેન્દ્ર સુતરીયાને દલપુર પાસેના એક ધાર્મિક સ્થળ નજીક અટકાવ્યો હતો.
ધર્મેન્દ્ર સુતરીયા તેમને ઓળખે તે પહેલાં બાઈક પર આવેલા બે પૈકી એક શખ્સે અગાઉથી કરેલા પ્લાન મુજબ પોતાની પાસેની મરચાંની ભૂકી ધર્મેન્દ્ર સુતરીયાની આંખોમાં નાંખી દીધી હતી.ત્યારબાદ આ અજાણ્યા શખ્સો ધર્મેન્દ્ર સુતરીયા પાસેથી થેલામાં રખાયેલ અંદાજે રૂ. ૮ લાખથી વધુની રોકડની લૂંટ કરી નાસી ગયા હતા.
જોકે, સમગ્ર ઘટના અંગેની જાણ થતાં ખાનગી ફાઇનાન્સ કંપનીના માલિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ધર્મેન્દ્ર સુતરીયાને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને સારવાર આપી હતી. સમગ્ર ઘટના બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે લૂંટની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.SS1MS
