Western Times News

Gujarati News

દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના  માર્ગદર્શન હેઠળ ગુજરાત 8.42%ના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે.

એટલું જ નહીં, સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 8.2% નોંધાયો છે, જેમાં ગુજરાતનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. ગુજરાતના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનના કારણે જ તેણે ભારતની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એટલે જ તેને ભારતનું ગ્રોથ એન્જિન કહેવાય છે.

તાજેતરના ડેટા અનુસાર ગુજરાતે છેલ્લા દાયકામાં અસાધારણ વૃદ્ધિ હાંસલ કરી છે. 2023-24માં ₹24.62 લાખ કરોડના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) સાથે, ગુજરાત હવે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, વૃદ્ધિને સચોટ રીતે સમજવા માટે લાંબા ગાળાના પ્રદર્શનને વાસ્તવિક દ્રષ્ટિએ એટલે કે કોન્સ્ટન્ટ પ્રાઇસિસ પર માપવામાં આવે છે. આ ફુગાવાની અસરને દૂર કરે છે અને ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિમાં વાસ્તવિક વધારો દર્શાવે છે. તેના આધારે, 2012-13થી 2023-24ના સમયગાળા દરમ્યાન ગુજરાતે સરેરાશ 8.42% વૃદ્ધિ દર હાંસલ કર્યો છે, જે ₹10 લાખ કરોડથી વધુની અર્થવ્યવસ્થા ધરાવતા તમામ મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ છે.

આ સાથે ગુજરાતે કર્ણાટક (7.69%) અને તમિલનાડુ (6.29%)ને પણ પાછળ છોડી દીધા છે. એવા સમયમાં જ્યારે મોટા અર્થતંત્રો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ સેચ્યુરેશનના કારણે ધીમા પડી જાય છે, પરંતુ ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક આધાર, રોકાણ-મૈત્રીપૂર્ણ વાતાવરણ, મજબૂત માળખાગત સુવિધાઓ અને કાર્યક્ષમ નીતિઓને કારણે ઝડપથી વિકાસ પામી રહ્યું છે.

GSDPના નવા આંકડાઓ એ સૂચવે છે કે, ગુજરાતની અર્થવ્યવસ્થા વિવિધ ક્ષેત્રોની મજબૂત કામગીરીના કારણે ઝડપથી બદલાઈ રહી છે. રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું 2023-24માં ₹7.43 લાખ કરોડનું યોગદાન રહ્યું, જે ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (GSVA) નો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, કન્સ્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્રનો ફાળો ₹2.31 લાખ કરોડ અને વેપાર, પરિવહન, નાણાંકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ જેવા સેક્ટરનો ફાળો ₹7.81 લાખ કરોડ રહ્યો. તો કૃષિ, વન અને માછીમારી જેવા પરંપરાગત ક્ષેત્રોએ ₹3.69 લાખ કરોડનું યોગદાન આપીને રાજ્યનો સમાવેશી વિકાસ સુનિશ્ચિત કર્યો.

એકંદરે, મૂળ કિંમતો પર ગુજરાતનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 2011-12માં ₹6.16 લાખ કરોડથી વધીને 2023-24માં ₹24.62 લાખ કરોડ થયું, જે એક દાયકામાં લગભગ ચાર ગણો વધારો દર્શાવે છે.

રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

ગુજરાતે આર્થિક ક્ષેત્રે નવું સીમાચિહ્ન મેળવ્યું છે અને માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે. ₹3,00,957ની માથાદીઠ આવક સાથે ગુજરાત ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રો પૈકીનું એક બન્યું છે. આ આંકડો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો કરતાં વધુ છે, જે રાજ્યની ઉચ્ચ શ્રમ ઉત્પાદકતા અને વ્યાપક આર્થિક ભાગીદારી દર્શાવે છે. મજબૂત લાંબા ગાળાના વિકાસ, ઉચ્ચ માથાદીઠ આવક અને સતત વિસ્તરતા ઇકોનોમિક બેઝ સાથે ગુજરાત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું છે. 8.42% વાસ્તવિક વૃદ્ધિ દર સાથે ગુજરાત સુશાસન, સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક અમલીકરણના મોડેલ તરીકે ઊભર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.