ભાયલીમાં ઓમકારેશ્વર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને કુંભોત્સવમાં સહભાગી થતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આર્ષ વિદ્યા મંદિર દ્વારા સ્થાપિત શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા તથા કુંભાભિષેક મહોત્સવમાં સહભાગી થયા હતા. તેમણે શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન વૈદિક પરંપરા અને સંતો-ઋષિઓ દ્વારા આપવામાં આવેલું શાશ્વત જ્ઞાન માનવજીવનનો મૂળ આધાર છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે માનવે બાહ્ય વિજયો તો મેળવ્યા છે, પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને અજ્ઞાન જેવા આંતરિક દુશ્મનો પર વિજય મેળવવાનો એકમાત્ર માર્ગ આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાન છે. આ જ્ઞાનને જીવંત રાખવા પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી, સ્વામી શ્રી પરમાનંદજી તથા સમગ્ર ગુરુ-શિષ્ય પરંપરા સતત પ્રયત્નશીલ છે.

તેમણે આર્ષ વિદ્યા મંદિર દ્વારા સંચાલિત શૈક્ષણિક પરંપરાની પ્રશંસા કરતાં જણાવ્યું કે, અહીં બાલિકાઓને ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવીને આધ્યાત્મિકતા સાથે આધુનિક શિક્ષણ આપવામાં આવે છે, જે રાષ્ટ્રનિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે. આ જ પરંપરાના ભાગરૂપે ગૌશાળાનું નવનિર્મિત ભવન તથા ગૌ-આધારિત કુદરતી ખેતીના કાર્યક્રમોને તેમણે ભારતીય સંસ્કૃતિના પુન:ર્જીવિત થવાનું પ્રતીક ગણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉલ્લેખ કર્યો કે, વેદોમાં ગાયને વિશ્વની માતા કહેવામાં આવી છે. રાસાયણિક ખેતીના કારણે આજે ડાયાબિટીસ, કેન્સર, કિડની તથા પેન્ક્રિયાસના રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે, જે પચાસ વર્ષ પહેલાં સમાજમાં અજાણ્યા હતા. જમીનની ફળદ્રુપતા નષ્ટ કરનાર યુરિયા તથા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને ગૌ-આધારિત શુદ્ધ સ્વદેશી કુદરતી ખેતી અપનાવવી આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ આર્ષ વિદ્યા મંદિર તથા તેની ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે થઈ રહેલા અમૂલ્ય કાર્યોની સરાહના કરી હતી.
આ પ્રસંગે આર્ષ વિદ્યા મંદિરના સંતોમહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
