SIR: 2025ની મતદાર યાદીમાંથી વિવિધ કારણોસર 60 લાખ મતદારોના નામ કપાયા
પ્રતિકાત્મક
અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તા. ૭મી ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે
રાજ્યભરમાં 17.30 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 7 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 32.52 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.36 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.આમ, નવી મતદાર યાદીમાંથી આવા અંદાજે 60 લાખ મતદારો ના નામ અત્યાર સુધી કમી કરવામાં આવ્યા છે.
રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ 21 વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે.
જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ (એસ.ટી), ગરબાડા, દેવગઢ બારિયા, અરવલ્લી જિલ્લાની બાયડ, સાબરકાંઠા જિલ્લાની ઈડર અને પ્રાંતિજ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાની કોશોદ અને માંગરોળ, ગીરસોમનાથ જિલ્લાની ઊના અને કોડિનાર, ખેડા જિલ્લાની મહેમદાવાદ તથા આણંદ જિલ્લાની ખંભાત અને નવસારી જિલ્લાની જલાલપોર, પંચમહાલ જિલ્લાની કાલોલ, ડાંગ જિલ્લાની ડાંગ બેઠકનો સમાવેશ થાય છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી રવિવાર તા. ૭મી ડિસેમ્બરના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ ૫૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) શરૂ કરવામાં આવી છે, ત્યારે શહેર-જિલ્લાના ૨૧ વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત શહેર-જિલ્લાના નાગરિકોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રવિવાર તા. ૭ના રોજ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મતદારોને SIR સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ અંગે માર્ગદર્શન મળી રહેશે તેમજ ભરેલા ફોર્મ પરત જમા પણ કરાવી શકાશે. જેથી શહેર-જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અનુરોધ કરાયો છે.
