સુભાષબ્રીજના સ્પાનમાં મોટી તિરાડઃ પાંચ મહિના બ્રીજ બંધ રહે તેવી શક્યતા
મ્યુનિ. કોર્પોરેશને માત્ર પેન- પેપર પર જ બ્રીજ ચકાસણી કરી હોય તેમ લાગી રહયું છે: શહેજાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સુભાષબ્રિજમાં તિરાડ પડી હોવાના અહેવાલ બહાર આવતા જ તંત્ર દોડતુ થઈ ગયું છે. હાટકેશ્વર બ્રીજની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ સુભાષબ્રીજની બરાબર મધ્યમાં જ મોટી તિરાડ દેખાઈ આવી છે જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન અને શહેર પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયા છે.
નિષ્ણાંતોના મંતવ્ય મુજબ આ તિરાડ સ્પાનમાં હોવાથી તેના રીપેરીંગ માટે ઓછામાં ઓછા પ મહિનાનો સમય લાગી શકે છે. વિપક્ષ કોંગ્રેસે પણ આ મામલે મ્યુનિ. વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટીને આડા હાથે લીધા છે.
અમદાવાદના સુભાષ બ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે જે મુજબ સુભાષબ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયા છે. તિરાડ એટલી મોટી પડી છે જેના કારણે થઈને સાબરમતી નદીમાં સીધું પાણી દેખાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રિ સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવી બાબત સામે આવી છે. બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના પગલે બ્રિજના તમામ છ સ્થાનની તપાસ કરવામાં આવશે જેના પગલે હવે માત્ર પાંચ દિવસ જ નહીં પરંતુ પાંચ મહિના સુધી આ બ્રિજને બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજ કન્સલટન્ટ દ્વારા બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવામાં આવશે. જે સ્પાનમાં તિરાડ અને ભાગ બેસી ગયો છે જેને લઈને ત્રણ જેટલા બ્રિજ કન્સલ્ટન્ટ તેમજ રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે ચર્ચા વિચારણા અને મીટીંગ કરવામાં આવી છે.
સ્પાનને રીપેર કરવો કે પછી આખો તોડીને ફરીથી નવો બનાવવો તેને લઈને બે થી ત્રણ અલગ અલગ વિકલ્પો નક્કી કરવામાં આવ્યા છે. બ્રિજ અને કેવી રીતે રીપેરીંગ કરવો તેના માટે પણ અલગ અલગ પ્રકારના સોલ્યુશન્સ કન્સલ્ટન્સ પાસેથી મેળવવામાં આવી રહ્યા છે. આખો બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવો કે આ જ બ્રિજ પર ફરીથી સ્પાનને મજબૂત કરવો તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બ્રિજ પર તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજ પરના ભાગને માપવામાં આવ્યા છે. તિરાડ કેટલા ફૂટ લાંબી અને કેટલી પહોળી પડી છે તેના માટે થઈને સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી છે. કયા ભાગમાં કેટલું નુકસાન થયું છે તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે.
મ્યુનિ. બ્રીજ પ્રોજેકટ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં જ સુભાષબ્રીજનો એનડીટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં રીબાઉન્ડ હેમર ટેસ્ટ પણ થયો હતો આ ટેસ્ટમાં શું રિપોર્ટ આવ્યા હતા તે બાબત જાહેર કરવામાં આવી નથી. પરંતુ મોરબી બ્રીજની દુર્ઘટના બાદ કન્સલટ્રન્ટ દ્વારા જયારે આ બ્રીજની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે માત્ર સરફેશની જ ચકાસણી કરી હતી નદીમાં જઈને કોઈ તપાસ થઈ ન હતી તેમ સુત્રો વધુ જણાવે છે.
મ્યુનિ. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે પણ સુભાષબ્રીજની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે સુભાષબ્રીજ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારને જોડે છે ગુરૂવારે એક મોટી દુર્ઘટના બનતી રહી ગઈ છે. ૮૩ બ્રીજના ઈન્સ્પેકશન કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં માત્ર પેન અને પેપર જ ઈન્સપેકશન થયું હોય તેમ લાગે છે. ખરેખર તો હેમરીંગ ટેસ્ટ, લોડ ટેસ્ટ, હાઈડ્રોલીક ટેસ્ટ વગેરે કરવા જરૂરી છે તે થયા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
