Western Times News

Gujarati News

સ્પામાં જઇને મસાજ કરાવવાનું આધેડને ભારે પડ્યુઃ યુવતીએ 20 લાખ પડાવ્યા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સાયન્સ સીટીમાં વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય વ્યક્તિને બોડકદેવમાં આવેલા એક સ્પામાં જઇને મસાજ કરાવવાનું ભારે પડયું હતું.
જેમાં મસાજ કરનાર યુવતીએ આધેડનો મોબાઇલ લીધા બાદ તેને બ્લેકમેઇલ કરીને અલગ અલગ સમયે ૧૦ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને મોબાઇલ ફોન તેમજ તેના ભાઇના લગ્ન માટે દાગીનાની ખરીદી કરી હતી.

ત્યારબાદ યુવતી તેના પતિ અન્ય સ્પાના સંચાલક સાથે આવીને આધેડની શોપ પર આવીને ૨૦ લાખની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા મહિલાએ તેના પતિ અને અન્ય સાગરિત સાથે મળીને માર મારીને ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ૫૧ વર્ષીય કિર્તન (નામ બદલેલ છે)આશરે દોઢ વર્ષ પહેલા બોડકદેવમાં ઝાયડસ હોસ્પિટલ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા સ્પા ઝોનમાં મસાજ માટે ગયા હતા. જ્યાં ચાંદની રાજપુત નામની યુવતીએ તેમને મસાજ કર્યુ હતુ અને કહ્યું હતું કે હવે જ્યારે પણ આવો ત્યારે પૈસા સીધા મને આપજો કેસ કાઉન્ટર પર આપતા નહી. પરંતુ, ત્યારબાદ કિર્તને સ્પામાં જવાનું બંધ કર્યું હતું.

થોડા દિવસ પછી ચાંદનીએ તેમને વાંરવાંર ફોન કરીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતુ અને ખોટા કેસમાં ફસાવવાનુ કહીને નાણાં માંગવાનુ શરૂ કર્યું હતું. જેથી ડરીને કિર્તને ચાંદનીને છુટક છુટક કુલ ૧૦.૯૧ લાખ જેટલી રકમ આપી હતી.

જે રકમ ચાંદનીના શક્તિ મોઢ, ભાઇ અવિનાશ મોઢ અને તેના પતિ મોહિત જૈનના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ ૬૬ હજારનો મોબાઇલ ફોન ઇએમઆઇ પર લેવડાવ્યો હતો. જેના હપતા કિર્તન હજુ સુધી ભરે છે. ત્યારબાદ કિર્તનભાઇએ ચાંદનીને હવે બ્લેકમેઇલ ન કરવા અને નાણાં ન પડાવવા માટે કહ્યું હતુ.

તેમ છતાંય, ચાંદની અને તેનો પતિ કિર્તનના ઘરે આવ્યા હતા અને ચાંદનીએ કહ્યું હતું કે તેના ભાઇના લગ્ન હોવાથી દાગીના ખરીદવાના છે. જે આપવાની ના પાડતા ફરી બદનામ કરવાની ધમકી આપતા કિર્તનભાઇએ ડરીને ગત ૨૫મી ઓક્ટોબરના રોજ વટવામાં આવેલા એક જ્વેલર્સ પોસેથી ૧.૮૬ લાખના દાગીના લઇને ચાંદનીને આપ્યા હતા. આ ઉપરાંત, છ લાખ રૂપિયા પણ ખર્ચ પેટે લઇ ગયા હતા. આ વ્યવહાર બાદ કિર્તનભાઇએ ચાદની અને તેના મળતિયાઓને આજ પછી કોઇ સંબધ ન રાખવા માટે કહ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.