વર-વધૂએ પોતાના જ રિસેપ્શનમાં ઓનલાઈન હાજરી આપવી પડી
હુબલી, કર્ણાટકના હુબલી શહેરમાં ઈન્ડિગો એરલાઈન્સના અણઘડ વહીવટના પગલે નવદંપતિ પોતાના જ રિસેપ્શનમાં હાજરી આપી શક્યા ન હતા. રિસેપ્શનમાં સ્ટેજ અને અવનવી વાનગીઓ સાથેનું ભોજન તૈયાર હતું. વર-વધૂને શુભેચ્છા આપવા માટે આમંત્રિતો પણ પહોંચી ગયા હતા.
વર-વધૂને રીસેપ્શન માટે ભુવનેશ્વરથી હુબલી આવવાનું હતું અને તેના માટે ઈન્ડિગોની ફ્લાઈટ બુક કરવામાં આવી હતી. અચાનક જ ફ્લાઈટ કેન્સલ થતાં તેમને પોતાના જ રિસેપ્શનમાં ઓનલાઈન હાજરી આપવાની ફરજ પડી હતી. બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા મેઘા ક્ષીરસાગર હુબલીના છે અને પતિ સંગમ દાસનું ઘર ભુવનેશ્વરમાં છે. ૨૩ નવેમ્બરે તેમનાં લગ્ન ભુવનેશ્વરમાં થયા હતા.
બાદમાં મેઘાના શહેર હુબલી ખાતે રિસેપ્શનનું આયોજન થયુ હતું. હુબલીના ગુજરાત ભવનમાં રિસેપ્શનની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. વર-વધૂને બીજી ડિસેમ્બરે ભુવનેશ્વરથી બેંગલુરુ અને ત્યાંથી હુબલી જવાનું હતું. બીજી ડિસેમ્બરે સવારે ૯ કલાકે ભુવનેશ્વરથી ફ્લાઈટ ટેકઓફ કરવાની હતી. થોડાં કલાકો માટે ફ્લાઈટમાં વિલંબ થવાની માહિતી આપવામાં આવી.
ફ્લાઈટ ઉપડવાની રાહ જોવામાં રાત પડી ગઈ, પણ સવારે તો ફ્લાઈટ ઉપડશે જ તેવી આશામાં નવદંપતિ તથા પરિવારજનોએ રાહ જોઈ. ત્રીજી ડિસેમ્બરે સવારે અચાનક જ ફ્લાઈટ રદ થઈ ગઈ.
જેના કારણે મેઘા અને સંગમને ભુવનેશ્વર રોકાઈ જવાની ફરજ પડી. દરમિયાન હુબલીમાં અગાઉના આયોજન મુજબ રિસેપ્શન શરૂ થઈ ગયું.રિસેપ્શનમાં ૬૦૦ જેટલા આમંત્રિતો પહોંચી ગયા હતા. રિસેપ્શન સ્થળે અનેક આમંત્રિતો અને સંબંધીઓ ઠેર-ઠેરથી આવી ગયા. નવોઢાના માતા-પિતાએ આખરે નવદંપતિના સ્થાને સ્ટેજ પર બેસવાનું નક્કી કર્યું. આમંત્રિતોને સમગ્ર પરિસ્થિતિ સમજાવવામાં આવી અને બાદમાં નવદંપતિએ ઓનલાઈન હાજરી આપવાનું નક્કી કર્યું.
મેઘા અને સંગમ રિસેપ્શનના ખાસ વસ્ત્રોમાં સજ્જ થઈ મોબાઈલ અને લેપટોપ સ્ક્રિન પર મહેમાનો સાથે વાત કરતા હતા. આમંત્રિતો પણ સ્ક્રિન સામે ઊભા રહી તેમને શુભેછા આપી રહ્યા હતા. આ સમગ્ર પ્રસંગ ઓનલાઈન વીડિયો કોલના કારણે પાર પડ્યો હતો.SS1MS
