બેન્કોને બચાવવા માટે મંદિરના નાણા ઉપયોગ કરવાની તમારી ઈચ્છા છે? CJI નો સવાલ
મંદિરનો પૈસો ભગવાનનો, સહકારી બેન્કોને બચાવવા તેનો ઉપયોગ ન થાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, દેશના વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ અર્પણ કરેલા નાણાનો મનસ્વી રીતે ઉપયોગ કરવાની પ્રવૃત્તિ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, મંદિરમાં અર્પણ થયેલા નાણાં ભગવાનના છે અને મુશ્કેલીનો સામનો કરી રહેલી સહકારી બેન્કોને બચાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે થિરુનેલી મંદિર દેવસ્વોમની ડીપોઝિટ્સ પરત ચૂકવવા સહકારી બેંકોને આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલય બાગચીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. ચીફ જસ્ટિસે સીધો સવાલ કર્યાે હતો કે, બેન્કોને બચાવવા માટે મંદિરના નાણા ઉપયોગ કરવાની તમારી ઈચ્છા છે? સહકારી બેન્કો માંડ-માંડ ચાલી રહી છે ત્યારે તેમાં નાણાં રાખવાના બદલે સ્વસ્થ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં નાણાં મૂકવા માટે મંદિરોને સૂચના આપવામાં ખોટું શું છે? આમ કરવાથી થાપણ પર વ્યાજ પણ સારું મળશે.
મંદિરોમાં આવેલા નાણાં ભગવાનના છે અને તેથી આ નાણાંનું રક્ષણ થવું જોઈએ અને મંદિરના હિતમાં જ તેનો ઉપયોગ થવો જોઈએ. સહકારી બેંકોનું અસ્તિત્વ ટકાવવા કે આવકના સ્રોત વધારવા મંદિરોનો ઉપયોગ કરી શકાય નહીં.હાઈકોર્ટના આદેશ સામે મનનાથવાડી કો-ઓપરેટિવ અર્બન સોસાયટી લિ. અને થિરુનેલી સર્વિસ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા અરજી થઈ હતી.
હાઈકોર્ટે દેવસ્વોમ (મંદિર)ની ફિક્સ્ડ ડિપોઝીટ તોડી તમામ રકમ બે મહિનામાં પરત કરવા બેન્કોને સૂચના આપી હતી. કારણ કે, પાકતી મુદત વીતી ગયા પછી પણ બેન્કોએ મંદિરના નાણાં પરત કર્યા ન હતા.
હાઈકોર્ટના આદેશનું પાલન કરવાથી મુશ્કેલી વધવાની આશંકા વ્યક્ત કરી બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બેન્કોની આ અરજી ફગાવી દેવાની સાથે સુપ્રીમ કોર્ટે જરૂર જણાય તો બેંકોને હાઈકોર્ટમાં રજૂઆત કરવા અને સમય વધારવાની છૂટ માટે રજૂઆત કરવા નિર્દેશ આપ્યા હતા.SS1MS
