ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી
ગાંધીનગર, ગાંધીનગરમાં એક જ સેક્ટરમાં રહેતા અને વર્ષાે જૂના મિત્રએ ગિફ્ટ સિટીમાં જમીન અપાવવાની લાલચ આપીને પોતાના મિત્ર અને અન્ય બે વ્યક્તિઓ પાસેથી કુલ રૃ. ૯૯ લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. પૈસા પરત માંગતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન બંધ કરી દીધો હતો.હાલમાં જમીન સંબંધીત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ વધુ એક ઘટના બહાર આવી છે.
જે ઘટના સંદર્ભે પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સેક્ટર ૧૩-બી ખાતે રહેતા અને સ્કૂલવાન ચલાવતા પ્રદીપસિંહ અમરસિંહ ચાવડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ વર્ષ ૨૦૦૮થી તેમના જ સેક્ટરમાં રહેતા નિર્મલસિંહ ભરતસિંહ જાડેજાને ઓળખતા હતા અને મિત્ર બન્યા હતા.
શરૃઆતમાં નિર્મલસિંહે પૈસાની જરૃર હોવાનું કહીને પ્રદીપસિંહ પાસેથી ટુકડે-ટુકડે રૃ. ૨.૨૦ લાખ ઉછીના લીધા હતા અને ત્યારબાદ માર્ચ ૨૦૨૩માં બેંક મારફતે રૃ. ૧.૮૦ લાખ લીધા હતા. ત્યારબાદ નિર્મલસિંહે લાલચ આપી હતી કે તેણે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જમીન લીધી છે અને તેમાં રોકાણ કરવાથી સારો નફો મળશે. મિત્ર પર વિશ્વાસ મૂકીને પ્રદીપસિંહે રોકડા રૃ. ૭.૨૦ લાખ અને ઓનલાઈન ટ્રાન્સફર મળી કુલ રૃ. ૯ લાખ આપ્યા હતા.
એટલું જ નહીં નિર્મલસિંહે માત્ર પ્રદીપસિંહ જ નહીં પરંતુ તેમના ઓળખીતા અન્ય બે લોકોને પણ ગિફ્ટ સિટીની જમીનના નામે શીશામાં ઉતાર્યા હતા. જેમાં પેથાપુર ખાતે રહેતા અરવિંદસિંહ દશરથસિંહ ચાવડા પાસેથી ૮૦ લાખ અને વાસણ ગામના યશવંતસિંહ પ્રહલાદજી ચાવડા પાસેથી દસ લાખ રૃપિયા લીધા હતા.
આમ ૯૯ લાખ રૃપિયા મેળવી લીધા બાદ રૃપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આખરે ફરાર થઈ જતા સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.SS1MS
